સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં વીજ માંગ 29,822 મેગાવોટની સર્વોચ્ચ સપાટીએ, અવિરત પુરવઠા માટે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક

ગુજરાતમાં વીજ માંગ 29,822 મેગાવોટની સર્વોચ્ચ સપાટીએ, અવિરત પુરવઠા માટે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક

ગાંધીનગરમાં શુક્રવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ, જેમાં રાજ્યમાં વીજળીની વધતી માંગ અને પુરવઠાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. ગયા મહિને 16 ઓક્ટોબર, 2026ના રોજ ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી વધુ 29,822 મેગાવોટ વીજ માંગ નોંધાઈ હતી. ગયા વર્ષના ઓક્ટોબરની સરખામણીમાં આ વર્ષે વીજ માંગમાં 36.6% અને દૈનિક વીજ વપરાશમાં 27%નો વધારો થયો છે, જે દૈનિક 574 મિલિયન યુનિટ સુધી પહોંચ્યો છે.

વીજ વિતરણ કંપનીઓમાં સૌથી વધુ વપરાશ PGVCL (30%), DGVCL (22%), UGVCL (22%) અને MGVCL (10%)માં નોંધાયો છે. બેઠકમાં તાત્કાલિક અને લાંબા ગાળાના આયોજનો અંગે નિર્ણય લેવાયા છે.

વીજ માંગ વધવાનાં મુખ્ય કારણોમાં ‘અલ નીનો’ની અસરને કારણે ચોમાસા પછી પણ તાપમાન ઊંચું રહેવાથી કૂલિંગ લોડ વધ્યો છે. ખેડૂતોને ઊભા પાક માટે પિયત આપવાથી કૃષિ માંગ દૈનિક 12,000 મેગાવોટ સુધી પહોંચી છે. નવરાત્રી અને દિવાળીના તહેવારોને કારણે ઔદ્યોગિક અને કોમર્શિયલ વપરાશ વધ્યો છે. ઓછા વરસાદ અને ધીમી પવનની ગતિને લીધે હાઇડ્રો અને વિન્ડ પાવર ઉત્પાદનમાં ઘટાડો થયો છે.

પુરવઠો જાળવવા માટે સરકારે કેન્દ્ર પાસેથી GSECLને નવેમ્બર સુધી દૈનિક 10થી 11 રેલવે રેક અને નવેમ્બર બાદ 13થી 14 રેક કોલસા આપવાની ખાતરી મેળવી છે. NTPC ફરક્કાથી 379 MW, આસામથી 500 MW અને કેન્દ્રીય ફાળામાંથી વધુ 500 MW વીજળી ફાળવવામાં આવી છે. ઓક્ટોબર માટે 2,990 MW, નવેમ્બર માટે 1,740 MW અને ડિસેમ્બર માટે 1,335 MWના ટૂંકા ગાળાના કરાર થઈ ગયા છે.

સાંજે 5થી 11 વાગ્યા સુધી સૌર ઊર્જા ઉત્પાદન શૂન્ય થઈ જતું હોવાથી પુરવઠો કોલસા અને ગેસ પ્લાન્ટ્સ પર નિર્ભર રહે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે 2,742 MW ક્ષમતાના બેટરી એનર્જી સ્ટોરેજ (BESS) કરાર કર્યા છે, જેમાંથી 500 MW માર્ચ 2027 સુધીમાં કાર્યરત થશે. NPCIL સાથે 4,200 મેગાવોટના ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ માટે MoU થયા છે. ઉકાઈ ખાતે 800 MWનો નવો પ્લાન્ટ નિર્માણાધીન છે અને સિનોર, વણાકબોરી તથા ગાંધીનગરમાં નવા પ્લાન્ટની પ્રક્રિયા શરૂ થઈ છે.

સરકારે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સાંજે 5થી 11 વાગ્યાના પીક અવર્સમાં વીજળીનો કરકસરયુક્ત ઉપયોગ કરવાની અપીલ કરી છે.