સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતના 23 જિલ્લામાં રાશન વિતરણમાં ખામી: 9 લાખ પરિવારોને 5 કિલોને બદલે મળે છે માત્ર 3 કિલો અનાજ

ગુજરાતના 23 જિલ્લામાં રાશન વિતરણમાં ખામી: 9 લાખ પરિવારોને 5 કિલોને બદલે મળે છે માત્ર 3 કિલો અનાજ

ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે સસ્તા અનાજની દુકાનો જીવાદોરી સમાન છે. પરંતુ રાજ્યના 23 જિલ્લાઓમાં અનાજ વિતરણની વ્યવસ્થામાં મોટી ખામી સામે આવી છે. અંદાજે 9 લાખ પરિવારોને પૂરતું અનાજ ન મળતું હોવાની ફરિયાદો ઊઠી છે.

નિયમ મુજબ દરેક લાભાર્થી પરિવારને દર મહિને 5 કિલો અનાજ મળવાપાત્ર છે. પરંતુ આ પરિવારોને 5 કિલોની જગ્યાએ માત્ર 3 કિલો અનાજ જ આપવામાં આવી રહ્યું છે.

ઓલ ગુજરાત ફેર પ્રાઈસ શોપ એસોસિએશને સરકારની વિતરણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર સરકારી ઓનલાઈન સિસ્ટમમાં મોટો ગોટાળો ચાલી રહ્યો છે. દુકાનોમાં બાજરીનો જથ્થો ફાળવવામાં આવ્યો ન હોવા છતાં લાભાર્થીઓના મોબાઈલ પર બાજરી લેવાના કૂપન મોકલી દેવામાં આવે છે.

બાજરીના કૂપન જનરેટ થયા હોવાથી સિસ્ટમ લાભાર્થીઓને ચોખા આપવાની ના પાડે છે. પરિણામે બાજરી તો દુકાનમાં છે જ નહીં, અને ફાળવાયેલા ચોખા પણ કૂપનના કારણે ગરીબ પરિવારો મેળવી શકતા નથી.

એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાએ વિતરણ વ્યવસ્થા અને ખાસ કરીને બાયોમેટ્રિક સિસ્ટમની ખામીયુક્ત કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જ્યારે લાભાર્થીઓ પોતાના હકનું અનાજ લેવા જાય છે અને સિસ્ટમ ના પાડે છે, ત્યારે દુકાનદારો અને લાભાર્થીઓ વચ્ચે બોલાચાલી થાય છે. સામાન્ય માણસને એમ લાગે છે કે દુકાનદાર તેમનું અનાજ ચાંઉ કરી રહ્યો છે. આ ગેરસમજને કારણે દુકાનના સંચાલકો સામે ખોટી ફરિયાદો પણ થઈ રહી છે, જેનાથી તેમની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે.

એસોસિએશનના જણાવ્યા અનુસાર આ સમસ્યા અચાનક ઊભી થઈ નથી. દુકાનદારો અને સંગઠન દ્વારા સંબંધિત ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં અને રૂબરૂ મળીને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. છતાં આજદિન સુધી કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નથી. સર્વર અને બાયોમેટ્રિક સિસ્ટમની ખામીઓ સત્વરે દૂર ન કરાય તો આગામી દિવસોમાં અસંતોષ વધુ ઉગ્ર બની શકે છે.