ગાંધીનગર: રાજ્યના નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર છેલ્લા ચાર દિવસથી ખોરવાઈ જતાં સમગ્ર ગુજરાતમાં રેશનિંગ વિતરણ વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે. નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે સર્વરમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે અમદાવાદ સહિત રાજ્યના 72 લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય કાર્ડધારકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ઓક્ટોબર મહિનાનો ખાંડ-અનાજ લેવા માટે ગ્રાહકોને વ્યાજબી ભાવની દુકાનોના ધક્કા ખાવા પડી રહ્યા છે.
રાજ્યની 17 હજારથી વધુ સરકારી સસ્તા અનાજની દુકાનોમાં ઓક્ટોબર મહિનાનો નિયમિત જથ્થો તેમજ દિવાળી નિમિત્તે આપવાનો વધારાનો જથ્થો ગત સપ્તાહમાં જ પહોંચાડી દેવામાં આવ્યો છે. તહેવારોના સ્પેશિયલ જથ્થામાં સિંગતેલ, વધારાની ખાંડ, ચણા અને તુવેર દાળ સામેલ છે. જોકે, પુરવઠા વિભાગના પોર્ટલ પર ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ શકી ન હતી. પરિણામે દુકાનદારો પાસે અનાજ હોવા છતાં વિતરણ કરી શકાયું નથી.
અનાજનો જથ્થો ન મળવાના કારણે અનેક રેશનિંગ દુકાનો પર કાર્ડધારકો અને દુકાન સંચાલકો વચ્ચે બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગ્રાહકોનો આક્ષેપ છે કે તહેવારોના સમયે જ સરકારી તંત્રની બેદરકારીને લીધે તેમને હેરાન થવું પડે છે, જ્યારે દુકાનદારોનું કહેવું છે કે ઓનલાઈન એન્ટ્રી વગર અનાજ આપી શકાય તેમ નથી.
આ ઓક્ટોબર મહિનાથી પહેલીવાર રેશનકાર્ડ ધારકોને 'તેલિયા ચોખા'નું વિતરણ કરવાનું નક્કી કરાયું છે. આ ચોખાનો જથ્થો પણ દુકાનો સુધી પહોંચી ગયો છે, પરંતુ ઓનલાઈન પ્રક્રિયા શરૂ ન થતાં ચોખાનું વિતરણ અટકી પડ્યું છે. રેશનકાર્ડ ધારકોએ માંગ કરી છે કે તહેવારોને ધ્યાનમાં રાખીને સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ.