સત્ય. સાહસ. સંકલ્પ.

રેશનિંગમાં ચોખા ઘટાડીને બાજરી વધારાઈ: ગાંધીનગર વિભાગનો નિર્ણય

રેશનિંગમાં ચોખા ઘટાડીને બાજરી વધારાઈ: ગાંધીનગર વિભાગનો નિર્ણય

ગાંધીનગરના અન્ન નાગરિક પુરવઠા વિભાગે રેશનકાર્ડ ધારકોને મળતા ચોખાના જથ્થામાં કાપ મૂક્યો છે. અગાઉ વ્યક્તિદીઠ ૩ કિલો ચોખા મળતા હતા, જે હવે ઘટાડીને માત્ર ૧ કિલો કરી દેવાયા છે. તેની સામે બાજરીનો જથ્થો વધારીને વ્યક્તિદીઠ ૨ કિલો કરવામાં આવ્યો છે.

આ નિર્ણય ચાલુ સપ્ટેમ્બર મહિનાથી અમલમાં આવ્યો છે. રેશન દુકાનો પર નવો જથ્થો પહોંચી ગયો છે, પરંતુ ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોમાં તેનાથી નારાજગી વ્યાપી છે. સામાન્ય રીતે ગુજરાતી ઘરોમાં દાળ-ભાત અને ખીચડી નિયમિત બને છે, એટલે ચોખાનો વપરાશ ઘઉં-બાજરી કરતાં વધુ હોય છે.

કાર્ડધારકોનું કહેવું છે કે અચાનક ચોખાનો જથ્થો ઘટાડતાં તેઓને ખુલ્લા બજારમાંથી ઊંચા ભાવે ચોખા ખરીદવા પડશે, જેનાથી તેમના ઘરખર્ચ પર વધારાનો બોજો આવશે. રેશન સંચાલકો પાસે ગ્રાહકો બાજરીને બદલે અગાઉની જેમ જ ચોખા આપવાની માંગ કરી રહ્યા છે.

પુરવઠા વિભાગે આ પહેલાં વ્યક્તિદીઠ ૧ કિલો બાજરી આપતો હતો, જે આ મહિને વધારીને ૨ કિલો કરાઈ છે. જોકે, કાર્ડધારકોમાં ચર્ચા છે કે બાજરી તેમની રોજિંદી જરૂરિયાત મુજબ ઉપયોગમાં નથી આવતી. સરકાર આ નિર્ણય પર પુનઃવિચાર કરે તેવી માંગ ઉઠી છે.