સત્ય. સાહસ. સંકલ્પ.

ભાદરવાની શરૂઆતમાં જ રાજ્યભરમાં મેઘાવી માહોલ, અમદાવાદ-વડોદરામાં ધોધમાર વરસાદ

ભાદરવાની શરૂઆતમાં જ રાજ્યભરમાં મેઘાવી માહોલ, અમદાવાદ-વડોદરામાં ધોધમાર વરસાદ

ભાદરવાની શરૂઆતમાં જ રાજ્યભરમાં વરસાદે જોર પકડ્યું છે. અમદાવાદ અને વડોદરામાં ધોધમાર વરસાદ પડ્યો, જ્યારે નડિયાદ અને ભરૂચમાં રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા. રાજ્યના 138 તાલુકામાં મેઘ મહેર થઈ છે.

અમદાવાદના શેલામાં વરસાદી પાણીમાં એક સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. બસચાલકનો જીવ પડીકે બંધાયો, પરંતુ અન્ય બસ મંગાવીને વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

હાટકેશ્વરમાં ભારે વરસાદના કારણે ટ્રાફિકજામ થયો. સર્કલ પાણીમાં ગરકાવ થઈ ગયું અને રસ્તાઓ પર વાહનો ફસાઈ ગયા.

વડોદરાના પાદરામાં ચાલીને જતા દાદી અને પૌત્રી ખાડામાં ખાબક્યા. જાસપુર ચોકડી પાસે ગટર લાઈન નાખ્યા બાદ ખાડાનું યોગ્ય પુરાણ ન કરાતા આ અકસ્માત સર્જાયો હતો.

વરસાદના કારણે અમદાવાદ એરપોર્ટ પર આજે ત્રણ ફ્લાઈટ્સ રદ થઈ. જેના કારણે મુસાફરોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો અને એરલાઈન્સ સામે રોષ ઠાલવ્યો.

આ દરમિયાન રાજ્ય સહિત દેશભરમાં આજથી ગણેશોત્સવની ધૂમ શરૂ થઈ છે. વડોદરામાં ઈલોરા ગુફાની થીમ પર શ્રીજીનું ડેકોરેશન કરાયું છે. રાજકોટ શહેર ભાજપ દ્વારા 19માં વર્ષે વંદે માતરમ થીમ આધારિત પંડાલ તૈયાર કરાયો છે, જ્યાં ધારાસભ્ય સહિતના નેતાઓએ ગરબે ઘૂમીને બાપાનું સ્વાગત કર્યું.

સુરતના નાના વરાછામાં એક ઘટના સામે આવી છે. NRIના બંધ બંગલામાં ચોરી કરવા ગયેલો ચોર સ્ટીલની ગ્રીલમાં ફસાઈ ગયો. લોકોએ તેને દંડાથી ફટકાર્યો. બંગલામાંથી તો કંઈ મળ્યું નહીં, પણ લોકોએ તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો.

વડોદરામાં એક ગંભીર ઘટના બની છે. પરિવારજનોએ પરિણીતાના ચારિત્ર્ય પર શંકા કરીને તેના પર ત્રાસ ગુજાર્યો. એસિડથી બાથરૂમ સાફ કરવાની ના પાડતા સાસુએ પુત્રવધૂના મોઢા અને ગળા પર એસિડ ફેંક્યું. મહિલાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

અમદાવાદના બોપલમાં રવિવારે મોડી રાત્રે પોલીસની પ્લેટ વાળી કારે અકસ્માત સર્જ્યો. કારે એક પછી એક છ વાહનોને ટક્કર મારી. કારચાલક નશામાં ચૂર હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે.

આજથી તરણેતરના વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. ઝાલાવાડની લોકપરંપરા અને લોકકલા સાથે ત્રણ દિવસીય ગ્રામીણ ઓલિમ્પિક યોજાશે. આ મેળામાં અઢી લાખથી વધુ લોકો ઉમટશે તેવી અપેક્ષા છે.