સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં વરસાદની ઘટ: દ્વારકામાં 88% અને પોરબંદરમાં 73% જેટલો ઓછો વરસાદ

ગુજરાતમાં વરસાદની ઘટ: દ્વારકામાં 88% અને પોરબંદરમાં 73% જેટલો ઓછો વરસાદ

ગુજરાતના અનેક જિલ્લાઓમાં આ સિઝનમાં વરસાદની નોંધપાત્ર ઘટ જોવા મળી રહી છે. સૌથી વધુ અસર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં જોવા મળી છે. દેવભૂમિ દ્વારકામાં સિઝનનો 88 ટકા વરસાદ ઓછો પડ્યો છે, જ્યારે પોરબંદરમાં 73 ટકાની ઘટ નોંધાઈ છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારો વરસાદ પડતો હોય છે, પરંતુ આ વખતે અલ નીનોની અસરના કારણે સૌથી વધુ અસર આ પ્રદેશમાં જોવા મળી છે.

હાલ પૂરતા દેવભૂમિ દ્વારકામાં સિઝનનો માત્ર 6.81 ટકા જ વરસાદ વરસ્યો છે, જ્યારે પોરબંદરમાં 18 ટકા વરસાદ નોંધાયો છે. આ સ્થિતિએ ત્યાંના ખેડૂતો અને સ્થાનિક રહીશોમાં ચિંતા વધારી છે.

અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે. જૂનાગઢ અને જામનગરમાં 61-61 ટકા, ગીર સોમનાથમાં 40 ટકા અને રાજકોટમાં 34 ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતમાં વડોદરામાં 32 ટકા અને છોટા ઉદેપુરમાં 30 ટકાની ઘટ છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠામાં 44 ટકા, જ્યારે મહેસાણા અને ગાંધીનગરમાં 27-27 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. પૂર્વ ગુજરાતમાં દાહોદમાં 45 ટકાની ઘટ જોવા મળી છે.

આમ, રાજ્યના કેટલાય જિલ્લાઓમાં વરસાદની અછતને કારણે ચિંતાજનક સ્થિતિ છે, જેની સીધી અસર ખેતી અને પાણી પુરવઠા પર પડી શકે છે.