સત્ય. સાહસ. સંકલ્પ.

સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ, અમદાવાદ-બાબરા-શહેરામાં મેઘમહેર

સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ, અમદાવાદ-બાબરા-શહેરામાં મેઘમહેર

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હળવાથી ભારે વરસાદનો માહોલ જળવાઈ રહ્યો છે. હવામાન વિભાગે 17 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી છે.

આ ઉપરાંત અમદાવાદ, અમરેલીના બાબરા અને પંચમહાલના શહેરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ છે.

અમદાવાદમાં આજે બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવતાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. બે દિવસના વિરામ બાદ બોપલ, શીલજ, પકવાન, માનસી સર્કલ, શેલા, ઘુમા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે જમાલપુર, કાકરીયા, મેમનગર, આસ્ટોડિયા, પાલડી, આશ્રમરોડ, જોધપુર અને વસ્ત્રાપુરમાં કડાકા-ભડાકા સાથે વરસાદ થયો હતો.

અમરેલીના રાજુલા, સાવરકુંડલા અને ધારી સહિતના વિસ્તારોમાં ચાર-પાંચ દિવસ મેઘરાજા મહેરબાન થયા બાદ હવે બાબરા શહેરમાં પણ વરસાદનું આગમન થયું છે. બાબરા શહેરમાં ધીમીધારે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા વિરામ બાદ મેઘમહેરથી ખેડૂતોમાં હરખ છવાયો છે અને વધુ વરસાદની આશા વર્તાઈ રહી છે.

બીજી તરફ, પંચમહાલના શહેરામાં બે દિવસના વિરામ બાદ વરસાદી માહોલ સક્રિય થયો છે. શહેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતાં વરસાદ વરસ્યો હતો. વરસાદની શરૂઆત થતાં અસહ્ય ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણથી લોકોને રાહત મળી હતી. ફરી વરસાદ વરસતાં ખેડૂતોમાં પણ હરખ છવાયો છે.