સત્ય. સાહસ. સંકલ્પ.

સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં યલો એલર્ટ: દ્વારકામાં ધોધમાર વરસાદ, 56 સીડી પર પાણી વહ્યું

સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં યલો એલર્ટ: દ્વારકામાં ધોધમાર વરસાદ, 56 સીડી પર પાણી વહ્યું

ગુજરાત અને તેની આસપાસ બનેલી બે અલગ અલગ હવામાન સિસ્ટમને કારણે સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિઝનમાં જ્યાં સૌથી ઓછો વરસાદ પડ્યો હતો તે દેવભૂમિ દ્વારકામાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું.

દ્વારકાધીશ મંદિરના સ્વર્ગ દ્વાર તરફ જતા રસ્તા પર પાણી વહેતું થયું હતું. જગતમંદિરની 56 સીડી પર ખડખડ પાણી વહેતા નયનરમ્ય દૃશ્યો સર્જાયા હતા. કાળિયા ઠાકોરના દર્શન કરવા આવેલા ભક્તો વરસાદમાં ભીંજાયા હતા.

રાજ્યમાં આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 49 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ તાલુકામાં 3 ઈંચ નોંધાયો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આજે માછીમારો માટે પણ ચેતવણી આપવામાં આવી છે. સમગ્ર ગુજરાતના દરિયાકાંઠે પવનની ઝડપ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે.

ગુજરાતની આસપાસ સક્રિય બનેલી સિસ્ટમને સમજીએ તો, સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર હજુ પણ એક લો પ્રેશર એરિયા બનેલું છે. બીજી તરફ, મોનસૂન ટ્રફ લો પ્રેશર બનીને બીકાનેર તરફથી પસાર થઈ રહ્યું છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે.

ચોમાસાની વાત કરીએ તો 1 જૂનથી આજે 17 સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર ગુજરાતમાં 612 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે 670 મિલીમીટર વરસાદ થવો જોઈએ. એટલે કે રાજ્યમાં સામાન્ય કરતાં 9 ટકા ઓછો વરસાદ પડ્યો છે.

વિસ્તારવાર જોઈએ તો, ગુજરાત રીજનમાં 898.7 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 876 મિલીમીટર કરતાં 3 ટકા વધુ છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ રીજનમાં 385.9 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 505.5 મિલીમીટર કરતાં 24 ટકા ઓછો છે.

ડેમ અને જળાશયોની સ્થિતિ જોઈએ તો, સરદાર સરોવર (નર્મદા ડેમ)માં હાલ 3,20,544 mcft પાણીનો સંગ્રહ થયો છે, જે તેની કુલ ક્ષમતાના 95.95 ટકા જેટલો છે. તે સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના 69.37 ટકા પાણી ઉપલબ્ધ છે.

રાજ્યના કુલ 206 જળાશયોમાંથી 26 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે, 37 ડેમ 70થી 100 ટકા વચ્ચે, 28 ડેમ 50થી 70 ટકા વચ્ચે, 41 ડેમ 25થી 50 ટકા વચ્ચે અને 74 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. આ સ્થિતિને પગલે રાજ્યના 40 ડેમને હાઈ એલર્ટ, 13 ડેમને એલર્ટ અને 10 ડેમને વોર્નિંગ હેઠળ મૂકવામાં આવ્યા છે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય માટે પણ સાનુકૂળ પરિસ્થિતિ બની રહી છે. 19 સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વાપસી માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ શકે છે. હાલમાં સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર લો પ્રેશર એરિયા સક્રિય છે. આ ઉપરાંત, ઉત્તર થાઈલેન્ડ પર બનેલું અપર-એર સાયક્લોનિક સર્ક્યુલેશન 18 સપ્ટેમ્બરે ઉત્તર અંદમાન સમુદ્ર તરફ આગળ વધશે, જેના પ્રભાવથી 19 સપ્ટેમ્બરની સાંજે ત્યાં નવું લો પ્રેશર સર્જાવાની શક્યતા છે.