ભાદરવા મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્ય પર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે આજે સુરત સહિત ચાર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યો છે. અમદાવાદ, વડોદરા સહિત નવ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં મૂશળધાર વરસાદ નોંધાયો છે, જેનાથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે.
આ ઉપરાંત, સુરતમાં છઠ્ઠા ધોરણની એક 11 વર્ષની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે માતાએ મોબાઈલ ફોન આપવાનો ઈનકાર કરતાં વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાધો હતો. આ ઘટના બાદ વાલીઓમાં ચિંતા વ્યાપી છે.
દરમિયાન, ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ પોલીસે વધુ એક નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. આ ફેક્ટરીમાં નકલી રોયલ સ્ટેગ બનાવવામાં આવતો હતો. પોલીસના જણાવ્યા મુજબ, રાજસ્થાનના એક શખસે કાચું મટીરીયલ મોકલ્યું હતું, જ્યારે બીજા આરોપીએ ભાવનગર આવીને નકલી દારૂ તૈયાર કર્યો હતો. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
અમદાવાદમાં સાબરમતી નદીમાંથી તરતું હાડપિંજર મળ્યા બાદ હવે એક યુવકની લાશ મળી આવી છે. યુવકના હાથ પર લખેલું હતું કે 'મેરે પાપા કો મેરી બોડી પહોંચા દેના'. બંને ઘટનાઓ રહસ્યમય હોવાથી પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરતમાં ખાડીપૂરના બે મહિના બાદ પણ પરિવહન સેવા પાટે ચઢી નથી. મનપાની ધીમી ગતિના કારણે 50%થી વધુ બસો બંધ છે. છ મુખ્ય સહિત 12થી વધુ પ્રભાવિત રૂટ પર વિદ્યાર્થીઓ ટિંગાઈને જવા મજબૂર બન્યા છે.
રાજકોટમાં એક વૃદ્ધ દંપતીને રાત્રે પોણા ત્રણ વાગ્યે ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું. TRAI અને EDના અધિકારીઓની ખોટી ઓળખ આપીને 25 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. વૃદ્ધે પોલીસની મદદ માંગતાં પોલીસે તેમને બચાવી લીધા.
સુરતની પી.પી. સવાણી ગર્લ્સ હોસ્ટેલની 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. રાત્રે ભોજન લીધા બાદ તબિયત લથડતાં તેમને અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.
અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા પાસે AMTS અને BRTS બસના ડ્રાઈવરો વચ્ચે બસ ઓવરટેક કરવાના મામલે બોલાચાલી થઈ. AMTS બસ ડ્રાઈવરે ઓવરટેક કરતાં મામલો ગરમાયો અને બાદમાં ડ્રાઈવરે બીજી બસો રોકી મુસાફરોને નીચે ઉતારી દીધા.