સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 10માં ઓરેન્જ, નસવાડીમાં અશ્વિન નદી છલકાઈ

ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 10માં ઓરેન્જ, નસવાડીમાં અશ્વિન નદી છલકાઈ

હવામાન વિભાગ (IMD)એ આજે 13 સપ્ટેમ્બરે બપોર 1 વાગ્યા સુધીના નાઉકાસ્ટમાં ગુજરાતના દક્ષિણ અને પૂર્વ-મધ્ય ભાગો માટે અતિ ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને ભાવનગર, સુરત, ભરૂચ સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ છે, જ્યારે 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, ભાવનગર, સુરત, ભરૂચ, નર્મદા, નવસારી, ડાંગ, તાપી અને છોટા ઉદેપુર જિલ્લામાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ, અમરેલી, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. બાકીના જિલ્લાઓમાં હળવા વરસાદનું યલો એલર્ટ છે.

છોટા ઉદેપુર અને અમરેલી જિલ્લામાં ફરી મેઘરાજાએ વરસાદ કર્યો છે, જેનાથી ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લહેર છે. છોટા ઉદેપુરમાં ચારે બાજુ ધોધમાર વરસાદથી નદી-નાળાં છલકાયા છે, તો અમરેલીના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે થી ધોધમાર વરસાદ થતાં સુકાઈ ગયેલા પાકને નવજીવન મળ્યું છે.

નસવાડી તાલુકામાં ભારે વરસાદને કારણે અશ્વિન નદીમાં નવું પાણી આવ્યું છે અને નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં પૂરતું પાણી આવતાં નસવાડી તાલુકા પર તોળાઈ રહેલું પીવાના અને સિંચાઈના પાણીનું સંકટ હાલ પૂરતું ટળી ગયું છે. ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોના ઉભા પાકને મોટો ફાયદો થયો છે.

અમરેલી જિલ્લાના બાબરા, ખાંભા, લાઠી, સાવરકુંડલા, ધારી અને રાજુલા પંથકમાં મોડી રાતથી ઝરમર વરસાદ શરૂ થયો હતો, જે વહેલી સવારે ધોધમાર બન્યો. બાબરા શહેર સહિત દરાડ, જામબરવાળા, ખાખરીયા, પાનસડા અને ગરણી ગામોમાં સારા વરસાદથી ખેતરો લહેરાઈ ઊઠ્યાં છે. રાજુલાના વિક્ટર, માંડળ અને ડુંગર જેવા ગામોમાં પણ ધીમીધારે વરસાદ પડતાં સુકાઈ રહેલા પાકને જીવતદાન મળ્યું છે.