સત્ય. સાહસ. સંકલ્પ.
⚡ આ સ્ટોરીનું નવું અપડેટ ઉપલબ્ધ છે: ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી: 5 જિલ્લામાં રેડ એલર્ટ, 9 જિલ્લામાં ઓરેન

ગુજરાતમાં વરસાદ: 4 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-ગાંધીનગરમાં ભારે વરસાદની ચેતવણી

ગુજરાતમાં વરસાદ: 4 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-ગાંધીનગરમાં ભારે વરસાદની ચેતવણી

ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદને લઈને નાઉકાસ્ટ જાહેર કર્યું છે. સવારે 10 વાગ્યા સુધી રાજ્યના ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદનો સમાવેશ થાય છે. સવારે 10 વાગ્યા સુધી 17 જિલ્લા અને ત્રણ સંઘપ્રદેશમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વિવિધ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આગામી 48 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મ સાથે વરસાદની શક્યતા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 9 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિ યથાવત રહેવાની શક્યતા હોવાથી વરસાદની ઘટમાં ઘટાડો થઈ શકે છે. ભારે વરસાદની સંભાવનાવાળા વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી 12 કલાક દરમિયાન વરસાદને લઈને આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. તેમણે વીજળીના કડાકા-ભડાકા અને પવનની પણ શક્યતા વ્યક્ત કરી છે. લોકોને હવામાનની સ્થિતિ પર નજર રાખવા અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.