ભારતીય હવામાન વિભાગ (IMD) અમદાવાદે આજે સવારે 10:00 વાગ્યે જારી કરેલા નાઉકાસ્ટ બુલેટિન મુજબ, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આગામી ત્રણ કલાક એટલે કે બપોરે 1:00 વાગ્યા સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પ્રબળ સંભાવના છે. જેથી તંત્ર દ્વારા રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
રેડ એલર્ટ હેઠળના જિલ્લાઓમાં પ્રતિ કલાક 15 mm કે તેથી વધુ ધોધમાર વરસાદ પડી શકે છે. 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે અને મધ્યમથી ભારે ગાજવીજ સાથે જમીન પર વીજળી પડવાની 60 ટકાથી વધુ સંભાવના છે. સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, વડોદરા, આણંદ, ખેડા, અરવલ્લી, મહેસાણા, રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર અને ભરૂચના નાગરિકોને અત્યંત સાવચેત રહેવા જણાવાયું છે.
બનાસકાંઠા, પાટણ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા તથા નગર હવેલી જિલ્લાઓમાં 5 થી 15 mm પ્રતિ કલાકના દરે મધ્યમ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પણ 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને વીજળી પડવાની 30 થી 60 ટકા સંભાવના છે.
હવામાન વિભાગના નિર્દેશો અનુસાર, રેડ અને ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાવાની સમસ્યા, નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ અને ટ્રાફિકજામ સર્જાઈ શકે છે. નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, જૂના કે જર્જરિત મકાનો તથા વૃક્ષોથી દૂર રહેવા અને વીજળીના કડાકા દરમિયાન સુરક્ષિત સ્થળે આશરો લેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.