ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં સાંજે 4 થી 7 વાગ્યા સુધીના ત્રણ કલાક માટે તાત્કાલિક નાઉ કાસ્ટ (Nowcast) જારી કર્યું છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના મોટા ભાગમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. પવનની ગતિ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે વહીવટી તંત્રએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 14 જિલ્લાઓમાં ગાજવીજ, તોફાની પવન અને ભારે વરસાદની પ્રબળ શક્યતા હોવાથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ભરૂચ અને ભાવનગરનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં અચાનક ભારે વરસાદ પડવાથી રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. વીજળીના કડાકાભડાકા થવાની પણ સંભાવના છે, તેથી નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે.
રેડ એલર્ટ ઉપરાંત, અન્ય 20 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. આ જિલ્લાઓમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. અહીં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
સાંજે 4 થી 7 વાગ્યા સુધીના સમયગાળામાં ઓફિસેથી છૂટતા નોકરિયાતો, રોજમદારો અને વાહનચાલકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડી શકે છે. 41 થી 61 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવનથી રસ્તા પરના મોટા હોર્ડિંગ્સ કે નબળા વૃક્ષો પડવાનું જોખમ છે. ખેડૂતો માટે પણ આ વરસાદ ચિંતાનો વિષય છે, કારણ કે ઊભા પાકને ભારે પવનથી નુકસાન થઈ શકે છે. વીજળી પડવાના બનાવો ટાળવા ખુલ્લા મેદાનો કે ઝાડ નીચે ઊભા ન રહેવું જોઈએ. કોઈપણ આકસ્મિક પરિસ્થિતિ માટે સ્થાનિક પ્રશાસનને સજ્જ રાખવામાં આવ્યું છે.