સત્ય. સાહસ. સંકલ્પ.

મહિસાગરમાં ભારે વરસાદ: ખાનપુરમાં બે કલાકમાં 2 ઈંચ, રાજ્યના 105 તાલુકા પલળ્યા

મહિસાગરમાં ભારે વરસાદ: ખાનપુરમાં બે કલાકમાં 2 ઈંચ, રાજ્યના 105 તાલુકા પલળ્યા

મહિસાગર જિલ્લામાં વહેલી સવારથી ફરી વરસાદ શરૂ થયો છે. જિલ્લાના ઘણા તાલુકામાં વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો. ખાસ કરીને ખાનપુર તાલુકામાં છેલ્લા બે કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે.

કડાણા, સંતરામપુર અને વીરપુર તાલુકામાં પણ અંદાજે એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે. લુણાવાડા અને ગોધરા તાલુકામાં પણ સારો વરસાદ પડ્યો છે.

લુણાવાડા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી હળવોથી મધ્યમ વરસાદ ચાલુ છે. ગોધરા શહેર ઉપરાંત નસીકપુર, સરસણ સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ છે. કડાણા તાલુકાના સરસવા, ડીટવાસ અને બચકરીયા ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. વરસાદ અને ભારે પવનને કારણે સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી છે.

લાંબા વિરામ બાદ મહિસાગર જિલ્લામાં ફરી સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદથી ખેતીના પાકને ફાયદો થવાની આશા છે. ખાસ કરીને વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને રાહત મળી છે. આગામી સમયમાં પણ વરસાદી માહોલ યથાવત રહે તો ખેતીના પાક માટે તે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

રાજ્યભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 105 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 14 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ મેઘરજમાં 2.56 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે મોડાસામાં 2.09 ઈંચ, વાંકાનેરમાં 1.97 ઈંચ, ખાનપુરમાં 1.93 ઈંચ, તલોદમાં 1.89 ઈંચ, ખેરાલુ અને માણસામાં 1.50-1.50 ઈંચ, ટંકારામાં 1.50 ઈંચ, મહેસાણામાં 1.38 ઈંચ, વડાલીમાં 1.26 ઈંચ, વિજાપુર અને કલોલમાં 1.18-1.18 ઈંચ, હડાદમાં 1.14 ઈંચ, જોટાણામાં 1.06 ઈંચ, વડનગર અને વિસનગરમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઈડર અને હિંમતનગરમાં પણ 1-1 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે ફરી એકવાર ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી 12 કલાક દરમિયાન વરસાદને લઈને આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ આગામી 12 કલાકમાં ગુજરાત રિજયન અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા થવાની પણ શક્યતા છે. રાજ્યમાં હાલ સક્રિય વરસાદી સિસ્ટમના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને આગામી કલાકોમાં પણ વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના છે. ભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં નીચાણવાળા સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. વીજળીના કડાકા-ભડાકા દરમિયાન લોકોને ખુલ્લા મેદાન, વૃક્ષો અને વીજ પોલથી દૂર રહેવા સહિત જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.