સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ નજીક સાણંદમાં ફરી દીપડાની દહેશત, ગુજરાતમાં સાત દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદ નજીક સાણંદમાં ફરી દીપડાની દહેશત, ગુજરાતમાં સાત દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાનમાં ઝડપી ફેરફાર જોવા મળી રહ્યા છે. રાજ્ય પર બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને જામનગર સહિત છ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે પોરબંદર અને દ્વારકા વિસ્તારમાં દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થઈ છે.

આ ઉપરાંત અમદાવાદ નજીક સાણંદમાં ફરી એક વાર દીપડાની દહેશત ફેલાઈ છે. મોટી દેવતી ગામ રોડ પાસે એક શ્વાનનું મારણ થયું છે અને દીપડાના પગલાંના નિશાન જોવા મળ્યા છે. વન વિભાગે પાંજરા ગોઠવીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. એક મહિનામાં દીપડો દેખાયાની આ બીજી ઘટના છે.

બીજી તરફ, ગીર ગઢડા નજીક રૂપેણ નદીમાં માછલીઓથી ભરેલો એક ટ્રક 15 ફૂટ નીચે ખાબક્યો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

રાજકીય સંદર્ભમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટે જણાવ્યું કે યોગ્ય કાર્યવાહી વગર યુનિવર્સિટી ખાનગી માહિતી જાહેર કરી શકે નહીં, અને કેન્દ્રીય માહિતી આયોગે (CIC) આ કેસમાં ડહાપણપૂર્વક વર્તવાની જરૂર હતી.

અમદાવાદના શીલજ કેનાલ રોડ પર નવપરિણીત મહિલાને મોતને ઘાટ ઉતારનાર બાઈક ચાલક સુનિલ પરમારને રાજસ્થાનના ડુંગરપુરથી ઝડપી લેવાયો છે. પતિએ વીડિયો શેર કરીને ન્યાયની માગ કરી હતી.

અન્ય એક ઘટનામાં, નકલી પાસપોર્ટ સાથે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પુત્ર હરિકેશ પટેલને ઝડપવામાં આવ્યો છે. તેનો પાસપોર્ટ 2023ના મની લોન્ડ્રિંગ કેસમાં કોર્ટમાં જમા છતાં તે પાંચથી વધુ દેશોમાં ફરી આવ્યો હતો.

SD Pay એપના આરોપીઓએ રોકાણકારોને ભ્રમિત કરવા એક ઓડિયો ક્લિપ વાયરલ કરી છે. મુખ્ય આરોપી હિરેન શાહે પોતે બહાર હોવાનો દાવો કર્યો છે. જો કે અમરેલી એસપીએ લોકોને ભ્રમિત ન થવા અપીલ કરી છે.

રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમનું આગમન થયું છે. 18 સપ્ટેમ્બરથી ત્રણ વન-ડે અને એક યુથ ટેસ્ટ શરૂ થશે, જેમાં સહેવાગ અને દ્રવિડના પુત્રોની જોડી જોવા મળશે. સૌરાષ્ટ્રના બે ખેલાડીઓને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.

આવતીકાલે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે અમદાવાદ અને વડનગરમાં દિવાળી જેવો માહોલ સર્જાશે. કાંકરિયા લેકફ્રન્ટ પર સવા લાખ દિવડા પ્રગટાવાશે, જ્યારે વડનગરમાં શર્મિષ્ઠા તળાવથી લઈને હાટકેશ્વર મંદિર સુધીના વિસ્તારોને રોશનીથી શણગારવામાં આવશે.

ગૌણ સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા CCE પરીક્ષાનો પ્રારંભ થયો છે. 29 સપ્ટેમ્બર સુધીમાં 4.58 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. અમદાવાદમાં 17 સેન્ટર પર એક લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે.