સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં વરસાદ: ખેરગામમાં સૌથી વધુ 120.60 ઈંચ, 16 તાલુકામાં હજુ 10 ઈંચથી ઓછો વરસાદ

ગુજરાતમાં વરસાદ: ખેરગામમાં સૌથી વધુ 120.60 ઈંચ, 16 તાલુકામાં હજુ 10 ઈંચથી ઓછો વરસાદ

ગુજરાતમાં આ સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ 30.20 ઈંચ વરસાદ નોંધાયો છે, જે સિઝનના કુલ વરસાદના 85 ટકા છે. છેલ્લા ચાર દિવસમાં જ રાજ્યમાં સિઝનનો 10 ટકા વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં એક તરફ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, તો બીજી તરફ હજુ પણ 16 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ થયો છે. 42 તાલુકામાં 50 થી 95 ટકા સુધી વરસાદની ઘટ જોવા મળી રહી છે.

જિલ્લાવાર પરિસ્થિતિ જોવા તો દ્વારકા જિલ્લામાં 10.54 ટકા, પોરબંદરમાં 24.76 ટકા અને જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 39.27 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ નવસારીના ખેરગામ તાલુકામાં 120.60 ઈંચ થયો છે, જ્યારે ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વરસાદ નડિયાદ તાલુકામાં 174.52 ટકા નોંધાયો છે. ઉત્તર ગુજરાત અને કચ્છના 67 તાલુકામાંથી માત્ર 5 તાલુકામાં જ 100 ટકાથી વધુ વરસાદ થયો છે, જ્યારે કચ્છ ઝોનમાં હજુ પણ 50 ટકા જેટલી વરસાદની ઘટ વર્તાઈ રહી છે.

બીજી તરફ, નર્મદા સ્થિત સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. 16 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 9:00 કલાકની વિગત મુજબ, ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર સામે હાલની સપાટી 137.48 મીટરે પહોંચી છે. ડેમમાં હાલ લાઈવ સ્ટોરેજ 5,379.80 MCM છે. ડેમમાં પાણીની આવક 54,952 ક્યુસેક થઈ રહી છે. સામે પાણીની જાવકની વાત કરીએ તો, પાવરહાઉસ મારફતે નદીમાં 40,947 ક્યુસેક અને કેનાલમાં 13,500 ક્યુસેક મળીને કુલ 54,447 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

સરદાર સરોવરની સ્થિતિ મજબૂત છે, પરંતુ રાજ્યના 206 પૈકી 79 ડેમો એવા છે જ્યાં હજુ પણ 25 ટકાથી ઓછું પાણી છે. 100 ટકા ભરાઈને ઓવરફ્લો થયેલા ડેમોની સંખ્યા 21 છે. આ ઉપરાંત 38 ડેમોમાં 70 થી 100 ટકા, 25 ડેમોમાં 50 થી 70 ટકા અને 43 ડેમોમાં 25 થી 50 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે. મુખ્ય ડેમોની વાત કરીએ તો શેત્રુંજી 98.42 ટકા, સુખી 87.02 ટકા, કરજણ 83.33 ટકા અને ઉકાઈ 80.64 ટકા ભરાયા છે, જ્યારે ધરોઈમાં 51 ટકા અને દાંતીવાડામાં 24.94 ટકા પાણી જ છે. રાજકોટનો લાલપરી, ભાવનગરનો શેત્રુંજી અને મહીસાગરનો વણાકબોરી ડેમ હાઈએલર્ટ પર છે.

ગુજરાતના 206 ડેમોમાં હાલમાં કુલ સંગ્રહ ક્ષમતાના 67.28 ટકા એટલે કે 3,75,330 એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે, જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 95.16 ટકા ભરાઈ ચૂક્યો છે. જળસંપત્તિ વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, રાજ્યના 35 ડેમોને હાઈએલર્ટ, 16ને એલર્ટ અને 8 ડેમોને વોર્નિંગ સિગ્નલ પર મુકવામાં આવ્યા છે.