સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં આગામી 3 કલાકમાં વરસાદ: અમદાવાદ સહિત 25 જિલ્લામાં યલો એલર્ટ, 6 વિસ્તારોમાં ઓરેન્જ

ગુજરાતમાં આગામી 3 કલાકમાં વરસાદ: અમદાવાદ સહિત 25 જિલ્લામાં યલો એલર્ટ, 6 વિસ્તારોમાં ઓરેન્જ

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગે નાઉકાસ્ટ બહાર પાડ્યું છે. બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધીના ત્રણ કલાકમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 25 જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરાયું છે, જ્યારે 6 વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ઓરેન્જ એલર્ટ ધરાવતા વિસ્તારોમાં તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે. સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીને પણ ઓરેન્જ એલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે. આ તમામ વિસ્તારોમાં સાંજે 4 વાગ્યા સુધી ભારે વરસાદની શક્યતા છે.

યલો એલર્ટ ધરાવતા 25 જિલ્લામાં બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, આણંદ, ભાવનગર, બોટાદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દીવનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવાથી ભારે વરસાદ પડી શકે છે.

35 દિવસના લાંબા વિરામ બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ભરૂચના અંકલેશ્વર પંથકમાં અને આસપાસના ગામોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. તાપી જિલ્લાના વ્યારા, બાજીપુરા, વાલોડ અને ડોલવણ તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક છાંટા પડ્યા છે.

લાંબા વિરામ બાદ વરસાદ આવતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ધીમીધારે પડતો વરસાદ ઊભા પાક માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી ખેડૂતોને આશા છે. વરસાદના કારણે અસહ્ય બફારા અને ગરમીમાંથી પણ રાહત મળી છે. ખેડૂતો હવે મેઘરાજા મનમૂકીને વરસે તેવી રાહ જોઈ રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની ધારણા છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.