સત્ય. સાહસ. સંકલ્પ.

ચોમાસાની વિદાય વચ્ચે ગુજરાતમાં વરસાદની આગાહી, તાલાલામાં અડધો ઇંચ વરસાદ

ચોમાસાની વિદાય વચ્ચે ગુજરાતમાં વરસાદની આગાહી, તાલાલામાં અડધો ઇંચ વરસાદ

રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે તે દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સોમવારે બપોરે તાલાલા શહેર અને આસપાસના ગીર પંથકમાં વરસાદ પડ્યો હતો. બપોરે 3:30 વાગ્યાની આસપાસ આકાશમાં કાળા વાદળો ઘેરાયા બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર 20 મિનિટમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડતાં શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતાં થઈ ગયાં હતાં.

તાલાલા ગીર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભાદરવા મહિનાની શરૂઆતમાં વરસાદ પડ્યા બાદ લાંબા સમયથી હવામાન સૂકું રહ્યું હતું. હાલ હાથિયા નક્ષત્રનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. વરસાદ ખેંચાતાં ખેડૂતો મગફળી, કપાસ, સોયાબીન, શેરડી અને શાકભાજી જેવા ઊભા પાકને પિયત આપવાની તૈયારી કરી રહ્યા હતા. એ જ સમયે વરસાદ પડતાં પાકને નવું જીવન મળ્યું છે અને પિયતનો મોટો ખર્ચ બચી ગયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ ગુજરાત અને તેની આસપાસના વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. આ સિસ્ટમની અસર હેઠળ 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર એમ બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળામાં પવનની દિશા મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે અને 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

બીજી તરફ રાજ્યમાંથી નૈઋત્યના ચોમાસની પરત યાત્રા શરૂ થઈ ચૂકી છે. કચ્છના નલિયાથી લઈને ઉત્તર ગુજરાતના ડીસા સુધીના પટ્ટામાંથી ચોમાસું વિદાય થઈ ગયું છે અને આગામી 2થી 3 દિવસમાં રાજ્યના અન્ય વિસ્તારોમાંથી પણ ચોમાસું વિદાય લેશે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, 1 જૂનથી 30 સપ્ટેમ્બર સુધીની સિઝનમાં રાજ્યમાં વાસ્તવિક સ્થિતિ આ પ્રમાણે નોંધાઈ છે: સમગ્ર ગુજરાતમાં સરેરાશ 711.9 મિમિ (28.02 ઇંચ) સામાન્ય વરસાદ સામે વાસ્તવમાં 637 મિમિ (25.07 ઇંચ) વરસાદ પડ્યો છે, જેથી રાજ્યમાં હજુ પણ 11% વરસાદની ઘટ પ્રવર્તે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે. સામાન્ય રીતે 539.9 મિમિ (21.25 ઇંચ) વરસાદની જરૂરિયાત સામે માત્ર 411.2 મિમિ (16.18 ઇંચ) વરસાદ નોંધાયો છે, જેના પરિણામે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ રીજનમાં 24% જેટલી વરસાદી ખાધ જોવા મળી રહી છે.