ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદ બાદ હવે વરસાદનું જોર ઘટ્યું છે. ભારત હવામાન વિભાગ (IMD)ના તાજેતરના બુલેટિન મુજબ 16 સપ્ટેમ્બરથી ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ માટે કોઈ મોટી હવામાન ચેતવણી જારી કરવામાં આવી નથી. આગામી 22 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત્ છે.
હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, સુરત, ડાંગ, તાપી અને ભરૂચ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટા પડી શકે છે.
સુરત માટે IMDની સ્થાનિક આગાહી પ્રમાણે 16 સપ્ટેમ્બરે સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને હળવો વરસાદ રહેવાની શક્યતા છે. 17 સપ્ટેમ્બરે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે, જ્યારે 18થી 20 સપ્ટેમ્બર દરમિયાન આકાશ આંશિક વાદળછાયું રહેવાની આગાહી છે.
છેલ્લા દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં પણ ભારે વરસાદને કારણે કેટલીક સોસાયટી જળમગ્ન બની હતી.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસાની વિદાયની પ્રક્રિયા પણ નજીક આવી રહી છે. પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાં 19 સપ્ટેમ્બર આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય માટે સ્થિતિ અનુકૂળ બનવાની શક્યતા છે. જોકે તેનો અર્થ એ નથી કે ગુજરાતમાંથી વરસાદ તરત જ સંપૂર્ણપણે બંધ થઈ જશે. સ્થાનિક હવામાન પરિસ્થિતિને કારણે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં છેલ્લા ચાર દિવસમાં સિઝનનો 10 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 85 ટકા (30.20 ઈંચ) વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નવસારીના ખેરગામમાં 120.60 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે ટકાવારીની દૃષ્ટિએ નડિયાદમાં 174.52 ટકા વરસાદ નોંધાયો છે.
જોકે હજુ પણ 16 તાલુકામાં 10 ઈંચથી ઓછો અને 42 તાલુકામાં 50 થી 95 ટકા સુધીની વરસાદની ઘટ નોંધાઈ છે. જેમાં દ્વારકા (10.54 ટકા), પોરબંદર (24.76 ટકા) અને જામનગર (39.27 ટકા) જિલ્લાની સાથે કચ્છ ઝોનમાં પણ 50 ટકા જેટલી મોટી ઘટ જોવા મળી રહી છે.