હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હાલ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય છે, જ્યારે બંગાળની ખાડીમાં પણ એક વોલમાર્ક લો પ્રેશર એરિયા બનેલું છે. આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં અને ત્યારબાદના 24 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. જેથી રાજ્યમાં આગામી સાત દિવસ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગ મુજબ આગામી બે-ત્રણ દિવસમાં કચ્છ-સૌરાષ્ટ્રમાંથી ચોમાસાની વિદાય થવાની શક્યતા છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં 24.94 ઇંચ વરસાદ વરસ્યો છે, જેથી હાલ રાજ્યમાં સાત ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.