સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર પર લો પ્રેશર અને મોનસૂન ટ્રફ સક્રિય થતાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

વિભાગે ત્રણ દિવસ થન્ડર સ્ટ્રોમનું પણ અનુમાન કર્યું છે. થન્ડર સ્ટ્રોમને કારણે રાજ્યમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 45 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ રહી શકે છે. આથી આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આ વર્ષના ચોમાસામાં અત્યાર સુધીની વરસાદની સ્થિતિ જોઈએ તો કચ્છ ઝોનમાં 11.28 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 18.51 ઇંચ, મધ્ય ઝોનમાં 27.90 ઇંચ અને સૌરાષ્ટ્રમાં સરેરાશ 19.96 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 69.36 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હજુ પણ ચોમાસાની સિઝનનો નવ ટકા ઓછો વરસાદ થયો છે.

દેશમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું હવે અંતિમ તબક્કામાં છે. હવામાન વિભાગ (IMD) મુજબ, ચોમાસાની વિદાય 19 સપ્ટેમ્બર આસપાસ પશ્ચિમ રાજસ્થાનથી શરૂ થઈ શકે છે. સામાન્ય રીતે પશ્ચિમ રાજસ્થાનથી ચોમાસાની વિદાય 17 સપ્ટેમ્બર આસપાસ શરૂ થાય છે, પરંતુ આ વર્ષે વિદાય સામાન્ય તારીખ કરતાં લગભગ બે દિવસ મોડી શરૂ થવાની ધારણા છે. જોકે, દેશના ઘણા ભાગોમાં ચોમાસું સંપૂર્ણ વિદાય થાય તે પહેલાં વરસાદનો બીજો રાઉન્ડ પણ જોવા મળી શકે છે. કેટલાક રાજ્યોમાં વરસાદ બિલકુલ ન પડવાનું અનુમાન પણ છે.

રાજ્યમાં છેલ્લા ચાર દિવસમાં સિઝનનો 10 ટકા વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 30.20 ઇંચ સાથે સરેરાશ 85 ટકા વરસાદ નોંધાયો છે. એક તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, તો બીજી તરફ 16 તાલુકામાં 10 ઇંચથી પણ ઓછો વરસાદ થયો છે. 42 તાલુકામાં 50 થી 95 ટકા સુધી વરસાદની ઘટ જોવા મળી રહી છે.

જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો દ્વારકા જિલ્લામાં 10.54 ટકા, પોરબંદરમાં 24.76 ટકા અને જામનગર જિલ્લામાં અત્યાર સુધીનો 39.27 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ નવસારીના ખેરગામ તાલુકામાં 120.60 ઇંચ થયો છે. ટકાવારીની દૃષ્ટિએ સૌથી વધુ વરસાદ નડિયાદ તાલુકામાં 174.52 ટકા નોંધાયો છે. ઉત્તર ગુજરાત અને કચ્છના 67 તાલુકામાંથી માત્ર 5 તાલુકામાં જ 100 ટકાથી વધુ વરસાદ થયો છે, જ્યારે કચ્છ ઝોનમાં હજુ પણ 50 ટકા જેટલી વરસાદની ઘટ વર્તાઈ રહી છે.