સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં 36% ઘટ

ગુજરાતમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં 36% ઘટ

અમદાવાદ: હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. આગામી 9 સપ્ટેમ્બર સુધી વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની શક્યતા છે.

રાજ્યમાં 1 જૂનથી સિઝનનો કુલ વરસાદ 595.7 મિલીમીટર (23.45 ઈંચ) નોંધાયો છે, જે સામાન્ય કરતાં 30.5 મિલીમીટર (1.20 ઈંચ) ઓછો છે. એટલે કે સામાન્ય વરસાદથી ચાર ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં પણ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ 4થી 9 સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની શક્યતા યથાવત રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

અમદાવાદમાં 2 સપ્ટેમ્બરે મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી નોંધાયું હતું, અને વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં સરેરાશ વરસાદના 15 ટકા વરસાદ ઓછો નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 36 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.