સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ: અમરેલીમાં મેઘમહેર, 12થી 14 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ: અમરેલીમાં મેઘમહેર, 12થી 14 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. લાંબા વિરામ પછી રાજ્યમાં ફરી વરસાદ પડતાં ખેડૂતોમાં આશા જાગી છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં.

અમરેલી પંથકમાં છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ખેંચાતાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કાળઝાળ ગરમી અને પિયતના અભાવે ખેતરોમાં ઊભો પાક મુરઝાઈ રહ્યો હતો. આ સમયે ખાંભા ગીરના રબારીકા, સાવરકુંડલાના દાધિયા અને હાડીડા જેવાં ગામોમાં વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે.

આ ઉપરાંત ધારી ગીર શહેર અને ગ્રામ્ય પંથક, ખાંભા તથા જાફરાબાદ તાલુકાના ખડસલી સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. આખા અમરેલી જિલ્લામાં વરસાદની રાહ જોવાઈ રહી હતી, ત્યારે આ છાંટણાંથી ઊભા પાકને નવજીવન મળ્યું છે અને આગળ સારો વરસાદ થશે તેવી આશા બંધાઈ છે.

હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, રાજ્યમાં આજથી 15 સપ્ટેમ્બર વચ્ચે મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. જેમાં 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વાતાવરણમાં બનેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન લો-પ્રેશરમાં ફેરવાશે અને મોનસૂન ટ્રફ સક્રિય થવાથી ગાજવીજ સાથે વરસાદ પડશે.

રાજ્યમાં આ મોસમમાં સરેરાશ 639 મિમી વરસાદ થવો જોઈએ, તેની સામે માત્ર 515.7 મિમી વરસાદ નોંધાયો છે. એટલે કે હજુ 19 ટકા વરસાદની ઘટ છે, જે આ નવા રાઉન્ડમાં પૂરી થવાની શક્યતા છે.

તારીખવાર સ્થિતિ જોઈએ તો, 12 સપ્ટેમ્બરે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.

13 સપ્ટેમ્બરે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને વડોદરા ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું એલર્ટ છે.

14 સપ્ટેમ્બરે જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. તોફાની પવન અને ભારે વરસાદને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપી છે.