અમદાવાદ: ગુજરાતમાં લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ત્રણ હવામાની સિસ્ટમ - મોંસુન ટ્રફ, સાક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ - સક્રિય થવાને કારણે વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 13 સપ્ટેમ્બરે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે, જેમાં પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.
14 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં આ સિઝનમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 19 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં થનારો વરસાદ ખેડૂતો તેમજ જળ સ્ત્રોતો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે.