સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં 22% વરસાદની ઘટ

ગુજરાતમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં 22% વરસાદની ઘટ

ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ભારે કે અતિભારે વરસાદની હાલ કોઈ ચેતવણી નથી. ચોમાસાની વિદાય સાથે ગરમી અને ઉકળાટ વધવાની શક્યતા છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રય યાદવના જણાવ્યા અનુસાર, ગુજરાતની આસપાસ એક પશ્ચિમી વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય છે, જે 74 ડિગ્રી પૂર્વ રેખાંશ અને 26 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પર સ્થિત છે. રાજ્યમાં પવનની દિશા મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાર દિવસ વાતાવરણ સૂકું રહેશે, ત્યારબાદ ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ વર્ષે 1 જૂનથી 26 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં 637 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે 701 મિમી થવો જોઈએ. એટલે કે રાજ્યમાં સામાન્ય કરતાં 9% ઓછો વરસાદ પડ્યો છે. ગુજરાત પ્રદેશમાં 923 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 913 મિમી કરતાં 1% વધુ છે. પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં માત્ર 411 મિમી વરસાદ થયો છે, જ્યારે સામાન્ય 529 મિમી થવો જોઈએ. આમ, સૌરાષ્ટ્ર-કચ્છમાં 22% વરસાદની ઘટ છે.

હવામાન વિભાગની આ આગાહી ખેડૂતો અને સામાન્ય જનજીવન માટે મહત્વપૂર્ણ છે. ચોમાસાના અંતિમ તબક્કે વરસાદની ઘટનો સીધો અસર પાક અને પાણીના સ્તર પર પડે છે.