સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં આજથી ભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, વલસાડ-નવસારીમાં રેડ એલર્ટ

ગુજરાતમાં આજથી ભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, વલસાડ-નવસારીમાં રેડ એલર્ટ

લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલી હવામાન પ્રણાલી અને દક્ષિણ છત્તીસગઢ પરથી પસાર થતી લો પ્રેશર સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે રવિવાર અને સોમવારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે. આ વરસાદ તીવ્ર પવન (40 કિમી પ્રતિ કલાકની ઝડપે) અને વીજળીના કડાકા સાથે થઈ શકે છે. આજે વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે સુરત, ભરૂચ, તાપી, ડાંગ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. આ ઉપરાંત રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં તથા દીવમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરાયું છે.

હવામાન વિભાગે 13 થી 17 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરી છે. 16 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટી શકે છે. આ વરસાદ ખેડૂતોના સુકાતા પાક માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.