ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. આ વચ્ચે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની તાજી માહિતી મુજબ, પશ્ચિમી વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થવાને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.
બીજી તરફ, ચોમાસું પૂરું થતાંની સાથે જ રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન વધવાની શક્યતા છે. આગામી દિવસોમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન ૩૭થી ૩૮ ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાઈ શકે છે. રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાનું અનુમાન છે.
આ કારણે ભેજ અને બફારા વચ્ચે લોકોને ઓક્ટોબરની ગરમીનો સામનો કરવો પડી શકે છે. ચોમાસું પૂરું થતાં જ રાજ્યભરમાં ઉનાળા જેવી ગરમીનો અહેસાસ શરૂ થઈ ગયો છે.
હવામાનમાં આ પલટાને કારણે ખેતી પર પણ અસર પડી શકે છે. ચોમાસુ પાક લણણીના તબક્કે પહોંચ્યો હોય, ત્યાં ખેડૂતોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી બનશે. તાપમાનમાં અચાનક થતા વધારાની સામાન્ય જનજીવન અને લોકોના સ્વાસ્થ્ય પર મિશ્ર અસર જોવા મળી શકે છે.