સત્ય. સાહસ. સંકલ્પ.

બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર: ગુજરાતમાં 12 સપ્ટેમ્બરથી ભારે વરસાદની આગાહી, યલો એલર્ટ

બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર: ગુજરાતમાં 12 સપ્ટેમ્બરથી ભારે વરસાદની આગાહી, યલો એલર્ટ

ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં 11 સપ્ટેમ્બરથી એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. આ સિસ્ટમના કારણે 12 સપ્ટેમ્બરથી ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશા સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 12 અને 13 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે, જેને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરી આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે આ નવી પ્રણાલી સક્રિય થશે. તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. રાજ્યમાં પાછલા કેટલાક દિવસોથી વરસાદનું જોર ઘટ્યું હતું, પરંતુ હવે ફરી વરસાદી માહોલ જામવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં પણ છૂટાછવાયા સ્થળોએ મૂશળધાર વરસાદની આગાહી છે. આ સમયગાળા દરમિયાન 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળી પડવાની શક્યતા છે.

આ ઉપરાંત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદની આગાહી છે. ઓડિશામાં 10 સપ્ટેમ્બરે અને અરુણાચલ પ્રદેશમાં 12 સપ્ટેમ્બરે અત્યંત ભારે વરસાદનું એલર્ટ છે. દિલ્હી-એનસીઆરમાં 11 સપ્ટેમ્બરથી વાતાવરણ બદલાશે અને હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જેનાથી ગરમીથી રાહત મળશે.