સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં 2 દિવસ અતિભારે વરસાદની આગાહી, 24 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ

ગુજરાતમાં 2 દિવસ અતિભારે વરસાદની આગાહી, 24 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ

ગુજરાતમાં ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે, ત્યારે ફરી વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. કારણે આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં 24 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. અમરેલી અને ભાવનગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.

દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, તાપી, નવસારી અને ડાંગમાં પણ વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ રહેવાની આગાહી છે. સુરતમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. IMDના 21 સપ્ટેમ્બરના બુલેટિનમાં સુરત માટે 22 અને 23 સપ્ટેમ્બરે વરસાદ કે ગાજવીજની શક્યતા દર્શાવવામાં આવી છે.

અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હોવાથી લોકોને સ્થાનિક સ્તરે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા છે. IMDના કોસ્ટલ બુલેટિન મુજબ ગુજરાતના ઉત્તર અને દક્ષિણ કાંઠે પશ્ચિમ કે ઉત્તર-પશ્ચિમ દિશાથી 15થી 20 નોટ્સની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ઝાપટામાં ઝડપ 25 નોટ્સ સુધી પહોંચી શકે છે. સમુદ્રની સ્થિતિ મધ્યમથી ખરબચડી રહી શકે છે. એટલે માછીમારોને દરિયો ખેડતી વખતે સાવધાની રાખવા સૂચના આપવામાં આવી છે.

ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં હોવા છતાં વરસાદી સિસ્ટમોના કારણે રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 88.67 ટકા વરસાદ નોંધાયો છે, એટલે હજુ આશરે 7 ટકા વરસાદની ઘટ છે. આગામી દિવસોમાં પડનારા વરસાદથી આ ઘટમાં વધુ ઘટાડો થઈ શકે છે.