હવામાન વિભાગે આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી બે દિવસ હળવા વરસાદની આગાહી કરી છે. આ આગાહી નવરાત્રિના ગરબા માટે તૈયારી કરી રહેલા ખેલૈયાઓ માટે નિરાશાજનક છે.
હવામાન વિભાગ મુજબ, દક્ષિણ રાજસ્થાન અને દક્ષિણ-પશ્ચિમ અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. તેના કારણે આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે.
આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને અમરેલી તથા મધ્ય ગુજરાતના દાહોદ, છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લા તથા સંઘ પ્રદેશ દીવના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસી શકે છે.
આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ તથા સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની આગાહી છે. જોકે, માછીમારો માટે હાલ કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે.