ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે. વિભાગ મુજબ રાજ્યમાં લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વિવિધ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મ સાથે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 9 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગળના દિવસોમાં વરસાદી ગતિવિધિ ચાલુ રહેવાની શક્યતા હોવાથી આ ઘટમાં ઘટાડો થઈ શકે છે. ભારે વરસાદની સંભાવનાવાળા વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓ પાલન કરવાની સલાહ અપાઈ છે.
દ્વારકા જિલ્લામાં આ વખતે સૌથી ઓછો વરસાદ વરસ્યો હતો, જેથી ખેડૂતો ચિંતામાં હતા. પરંતુ આજે સવારથી દ્વારકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. દ્વારકામાં ચાર કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. દર્શન માટે આવેલા ભક્તોએ વરસાદ વચ્ચે દર્શન કરીને તેની મજા માણી હતી. ધોધમાર વરસાદને કારણે ભદ્રકાલી ચોક અને ઇસ્કોન ગેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ખાસ કરીને ઇસ્કોન ગેટ વિસ્તારમાં ઘૂંટણસમું પાણી ભરાયું હતું. ઓખા, મીઠાપુર સહિતના ગામોમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. દ્વારકા જિલ્લા પર હજુ પણ મેઘરાજા હેત વરસાવે તેવી ખેડૂતોને આશા છે.
જેતપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. જેતપુર તાલુકામાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેતપુર શહેરના તીનબત્તી ચોક, ફૂલવાડી ચોક, બસ સ્ટેન્ડ ચોક, ચાંદની ચોક, એમજી રોડ, મતવા શેરી, અમરનગર રોડ અને જૂનાગઢ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
સૌરાષ્ટ્રમાં વરસાદના પગલે ખેડૂતોના કપાસ, મગફળી, સોયાબીન, એરંડા અને ડુંગળી સહિતના પાકોને ધીમીધારે વરસાદથી ફાયદો થશે. વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ થયા હતા. જેતપુર તાલુકામાં અત્યાર સુધી સિઝનનો 18.40 ઈંચ વરસાદ, એટલે કે 59.35 ટકા, વરસ્યો છે.