સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી પહેલાં રાજ્યમાં વરસાદની શક્યતા: 29-30 ઓક્ટોબરે કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ

દિવાળી પહેલાં રાજ્યમાં વરસાદની શક્યતા: 29-30 ઓક્ટોબરે કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ

રાજ્યમાં ચોમાસું પૂરું થઈ ગયા બાદ ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે 29 અને 30 ઓક્ટોબરના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

હાલ વાતાવરણમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે. આ બંને સિસ્ટમની અસરને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, 29 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલીમાં સામાન્ય વરસાદની શક્યતા છે. 30 ઓક્ટોબરે અમરેલી અને ભાવનગર સહિત નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

જોકે, રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ પડશે તેવી આગાહી નથી. મોટા ભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. હવામાનમાં થતા ફેરફાર અને વાતાવરણમાં ભેજની સ્થિતિને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે આગામી 48 કલાક સુધી તાપમાનમાં કોઈ મોટો બદલાવ જોવા મળશે નહીં. તે પછી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. આગામી સાત દિવસ સુધી લઘુતમ તાપમાનમાં પણ કોઈ મોટો બદલાવ થવાની શક્યતા નથી. 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે.