સત્ય. સાહસ. સંકલ્પ.

અંબાલાલ પટેલની આગાહી: 15 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ, ડિસેમ્બરમાં 3 વાવાઝોડાની ચેતવણી

અંબાલાલ પટેલની આગાહી: 15 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ, ડિસેમ્બરમાં 3 વાવાઝોડાની ચેતવણી

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 15 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં વરસાદ પડશે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. લાંબા વિરામ બાદ શરૂ થયેલો આ વરસાદ ખેડૂતો માટે પાકને જીવતદાન આપનારો બની શકે છે. તેમની આગાહી મુજબ, અનેક વિસ્તારોમાં 3 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે.

મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા અને આણંદ જેવા શહેરોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ શહેર અને જિલ્લાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. પૂર્વ ગુજરાતના પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર ચાલુ રહેશે. ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. સોરઠ અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે. રાજકોટ, દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા દરિયાકાંઠાના તેમજ આંતરિક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેશે, જેથી જળાશયોમાં નવા પાણીની આવક થવાની આશા છે.

આ ઉપરાંત, અંબાલાલ પટેલે શિયાળાની ઋતુ અંગે પણ ચેતવણી આપી છે. તેમના જણાવ્યા અનુસાર, ડિસેમ્બરમાં ભારત પર એકસાથે 3 વાવાઝોડાં ત્રાટકી શકે છે. આમાંથી એક વાવાઝોડું ખૂબ શક્તિશાળી અને વિનાશકારી હોઈ શકે છે. આ સિસ્ટમ બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં સક્રિય થશે. તેના કારણે ડિસેમ્બરમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. જો આમ થશે તો શિયાળુ પાકને મોટું નુકસાન થઈ શકે છે અને લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડશે.