અમદાવાદ: રાજ્યમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગે આગામી બે કલાકમાં રાજ્યના 14 જિલ્લામાં હળવા વરસાદની આગાહી સાથે નાઉકાસ્ટ જાહેર કર્યું છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પંચમહાલ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાનમાં આવેલા ફેરફારને કારણે નાગરિકોએ હવામાનની સ્થિતિ પર નજર રાખવી જરૂરી છે.
સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલમાં રવિ પાકોના વાવેતરની મોસમ ચાલી રહી છે. આ સમયે વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે ખેડૂતોની મૂંઝવણ વધી છે. ખાસ કરીને બટાકા, ઘઉં અને ચણાના વાવેતર સમયે બદલાયેલા હવામાનને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. જિલ્લાના તલોદ, પ્રાંતિજ, હિંમતનગર અને ઇડર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.
મહીસાગર જિલ્લામાં પણ બપોર બાદ વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે. લુણાવાડા સહિત જિલ્લાના અન્ય તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. આકાશમાં વાદળો ઘેરાતાં હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.
ગાંધીનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. રાંધેજા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત લોદરા અને માણસા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં આવેલા ફેરફાર વચ્ચે હવામાન વિભાગની આગામી આગાહી પર સૌની નજર છે.