સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં હજુ 9% વરસાદની ઘટ, આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં હજુ 9% વરસાદની ઘટ, આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે, પણ હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્ર પર લો પ્રેશર અને મોનસૂન ટ્રફ ફરી સક્રિય થતાં વરસાદી માહોલ જામ્યો છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ (થન્ડરસ્ટોર્મ) પડી શકે છે. આ સમયગાળા દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 45 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ થઈ શકે છે.

દરિયામાં ઊંચા મોજાં અને તેજ પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટળી શકે.

આ ચોમાસુ સીઝનમાં અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 69.36 ઈંચ વરસાદ નોંધાયો છે. મધ્ય ઝોનમાં 27.90 ઈંચ, સૌરાષ્ટ્રમાં 19.96 ઈંચ, ઉત્તર ગુજરાતમાં 18.51 ઈંચ અને કચ્છ ઝોનમાં સૌથી ઓછો 11.28 ઈંચ વરસાદ વરસ્યો છે.

આ આંકડા સારા હોવા છતાં, રાજ્યમાં હજુ પણ સીઝનના સરેરાશ કરતાં 9 ટકા ઓછો વરસાદ થયો છે. જોકે, ભારે વરસાદનું જોર હવે ઘટશે અને આગામી દિવસોમાં પડતા હળવા વરસાદથી ખેતીના પાકને ફાયદો થઈ શકે છે, તેમજ વરસાદની ઘટમાં સુધારો થવાની આશા છે.