સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં 210 તાલુકામાં વરસાદ, બોરસદમાં 5.24 ઈંચથી જળબંબાકાર

ગુજરાતમાં 210 તાલુકામાં વરસાદ, બોરસદમાં 5.24 ઈંચથી જળબંબાકાર

ગુજરાતમાં સોમવારે સવારથી રાજ્યભરમાં વરસાદ પડ્યો છે. રાજ્યના કુલ 210 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ આણંદ જિલ્લાના બોરસદમાં 5.24 ઈંચ નોંધાયો છે. બોરસદમાં માત્ર બે કલાકમાં 4.7 ઈંચ વરસાદ પડતાં શહેરમાં પાણી ભરાઈ ગયું હતું. શહેરના અનેક માર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા. સૂર્યમંદિરથી બસ સ્ટેન્ડને જોડતા માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ભોભાફળી વિસ્તારમાં પણ માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નબળી હોવાનું અને નિકાલના સ્થળોએ કચરો ભરાતાં પાણીનો પ્રવાહ અટકી ગયો હોવાનું જાણવા મળે છે. વરસાદનું જોર ઘટતાં પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યું છે.

રાજ્યમાં અન્ય સ્થળોએ પણ સારો વરસાદ નોંધાયો છે. ધોળકામાં 4.02 ઈંચ, કરજણમાં 3.82 ઈંચ, ગોધરામાં 3.39 ઈંચ, તારાપુરમાં 3.07 ઈંચ, ગણદેવીમાં 2.91 ઈંચ, નડિયાદમાં 2.80 ઈંચ, માતરમાં 2.72 ઈંચ, બાયડમાં 2.64 ઈંચ, મેઘરજમાં 2.64 ઈંચ, વડોદરામાં 2.56 ઈંચ, વાગરામાં 2.40 ઈંચ, હિંમતનગરમાં 2.32 ઈંચ, માળિયા હાટીનામાં 2.32 ઈંચ, ધનસુરામાં 2.17 ઈંચ, દસક્રોઈમાં 2.17 ઈંચ અને આંકલાવમાં 2.17 ઈંચ વરસાદ પડ્યો છે.

તેમજ મોડાસામાં 2.05 ઈંચ, પાદરામાં 2.01 ઈંચ, હાલોલમાં 2.01 ઈંચ, ભરૂચ અને અમદાવાદમાં 2 ઈંચ, ભેસાણમાં 2 ઈંચ, વસોમાં 1.85 ઈંચ, રાજુલામાં 1.77 ઈંચ, મહુધામાં 1.69 ઈંચ, ધંધુકામાં 1.69 ઈંચ, વિજાપુરમાં 1.65 ઈંચ, ખેડબ્રહ્મમાં 1.65 ઈંચ, બાવળામાં 1.65 ઈંચ અને ખેડામાં 1.65 ઈંચ વરસાદ નોંધાયો છે.

બીજી તરફ, અમદાવાદમાં બે ઈંચ વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પૂર્વ અને પશ્ચિમ, બંને ભાગમાં અનેક વિસ્તારો જળમગ્ન થયા હતા. છેલ્લા ત્રણ કલાકથી અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા રહેતાં શાળાના બાળકો અને શિક્ષકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે સૌથી વધુ વરસાદ અમદાવાદના સાઉથ ઝોનમાં પોણા ચાર ઈંચ સુધી નોંધાયો છે. વટવામાં સાડા ચાર ઈંચ, લાંભામાં ચાર ઈંચ, મણિનગરમાં 3 ઈંચ, ઈન્દ્રપુરી વોર્ડમાં સાડા ત્રણ ઈંચ, દૂધેશ્વરમાં 3 ઈંચ, કાલુપુરમાં બે ઈંચ અને અસારવામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં સરખેજમાં સાડા ત્રણ ઈંચ, જોધપુર અને બોપલમાં 3-3 ઈંચ તેમજ મકતપુરામાં પણ 3 ઈંચ વરસાદ નોંધાયો છે.