ગુજરાતમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રાજ્યના 44 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં 2 ઈંચથી વધુ નોંધાયો હતો. માતર, ખેડા અને જાંબુઘોડા સહિત છથી વધુ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.
બપોર બાદ અમદાવાદમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવતાં અંકુર ચાર રસ્તા, નારણપુરા અને દાણીલીમડા વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. દાંતા-પાલનપુર હાઈવે પર પણ ભારે પવન સાથે વરસાદ પડતાં વાહનચાલકો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અંબાજી હાઈવે પર પદયાત્રીઓ અટવાઈ જવાની ઘટના સામે આવી છે, જ્યારે ગીર ગઢડા વિસ્તારના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું.
હાલમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર સિસ્ટમમાં પરિવર્તિત થયું છે. ઉપરાંત મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાના કારણે વરસાદી માહોલ ચાલુ રહેશે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 616.8 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય વરસાદ 673.9 મીમી કરતાં 8% ઓછો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને કેટલાક સ્પેલમાં રાજ્યમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. લો પ્રેશર સિસ્ટમ ઉપરાંત અન્ય એક મોન્સૂન ટ્રફ સિસ્ટમ પણ સક્રિય થતાં રાજ્યમાં હળવા વરસાદની આગાહી છે.