સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં 17 સપ્ટેમ્બરથી ફરી વરસાદની આગાહી: 3 દિવસ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

ગુજરાતમાં 17 સપ્ટેમ્બરથી ફરી વરસાદની આગાહી: 3 દિવસ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

ગુજરાતમાં 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 2થી 6 ઇંચ સુધીનો સારો વરસાદ નોંધાયો હતો. 14 સપ્ટેમ્બર બાદ વરસાદે વિરામ લીધો છે, પરંતુ હવામાન વિભાગે 17 સપ્ટેમ્બરથી આગામી સાત દિવસ માટે ફરી વરસાદની આગાહી કરી છે.

વિભાગના અનુમાન મુજબ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા જિલ્લાઓમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને આગામી બે-ત્રણ દિવસ આ વરસાદની શક્યતા વધુ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આજે રાજ્યમાં નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. સૌથી વધુ માત્ર 13 મિલીમીટર વરસાદ છોટા ઉદેપુરના કડવલ તાલુકામાં નોંધાયો છે.

હજુ પણ રાજ્યમાં વરસાદ 16 ટકા ઓછો છે. કચ્છમાં આ ઘટ 40 ટકાથી વધુ, ઉત્તર ગુજરાતમાં 35 ટકાથી વધુ અને સૌરાષ્ટ્રમાં પણ લગભગ 35 ટકા જેટલી છે. આગામી દિવસોનો વરસાદ આ ઘટ પૂરી કરશે કે નહીં, તે જોવાનું રહેશે.