ગુજરાતમાં 12 સપ્ટેમ્બરથી વરસાદની નવી સિસ્ટમ સક્રિય થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત અને વડોદરામાં યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે 13 સપ્ટેમ્બરથી નવસારી, વલસાડ અને ડાંગમાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે.
અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે. રાજુલા, સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગામડાંમાં સારો વરસાદ નોંધાયો. રાજુલાના મોટા આગરીયા ગામમાં ધોધમાર વરસાદથી ચેકડેમ છલકાયા અને નદીઓમાં જળસ્તર વધ્યું. સાવરકુંડલાના આંબરડી, થોરડી અને આદસંગ ગામોમાં રસ્તા અને ખેતરો પાણીથી છલોછલ થઈ ગયા. લીલીયા તાલુકાના ઢાંગલા, ખારા, એકલેરા, સનાળીયા, નાના લીલીયા, લોકા, ટીંબડી અને ક્રાકચ સહિતના ગામોમાં પણ મેઘમહેર થઈ.
ખાંભા અને ધારી ગીર પંથકના ભાડ, ઈંગોરાળા, અનિડા, મોટા સમઢિયાળા, વીરપુર, ગઢીયા સહિતના ગામોમાં વરસાદી ઝાપટાં પડ્યાં. ઈંગોરાળા અને અનિડા ગામમાં રસ્તાઓ પર પાણી વહેતાં થયાં. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને આ વરસાદથી રાહત મળી છે. કપાસ, મગફળી સહિતના પાકને જીવનદાન મળશે, જોકે હજુ સારા વરસાદની ખેડૂતોને રાહ છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, 13-14 સપ્ટેમ્બરે દરિયાકાંઠે પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે અને ઝડપ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. માછીમારો માટે 10 સપ્ટેમ્બરે ચેતવણી જાહેર કરાઈ છે, અને 13-14 સપ્ટેમ્બરે પણ ચેતવણી યથાવત્ રહેશે.
રાજ્યમાં હાલ 20 ટકા વરસાદની ઘટ છે. અત્યાર સુધી 20 ઈંચ (516 મીમી) વરસાદ વરસ્યો છે, જ્યારે સામાન્ય વરસાદ 25.31 ઈંચ (643 મીમી) હોવો જોઈએ. સિઝનમાં સરેરાશ સામે 75.62 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 104 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 75 ટકા, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 56 ટકા તથા કચ્છમાં 29 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના 23 જિલ્લામાં 1 ટકાથી 89 ટકા સુધી વરસાદની ઘટ છે.