ગુજરાતમાં ભાદરવાની શરૂઆતમાં જ હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજ્ય પર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સુરત સહિત ચાર જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે અમદાવાદ અને વડોદરા સહિત નવ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં મૂશળધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને અવરજવરમાં તકલીફ પડી હતી.
ગાંધીનગરમાં ₹635 કરોડના ફ્રોડ નેટવર્કનો રેલો પહોંચ્યો છે. આ નેટવર્કમાં ‘SD Pay’ અને ‘Apna Pay’માં રોકાણની લાલચ આપીને યુવક સાથે ₹2.50 લાખની ઠગાઈ કરવામાં આવી હતી. પોલીસે અત્યાર સુધી છ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ધવલ પટેલ ફરાર છે.
સુરત સિવિલ હોસ્પિટલમાં વિવિધ સુવિધાઓનું લોકાર્પણ ડે.સીએમ હર્ષ સંઘવીના હસ્તે થયું. આ પ્રસંગે સંઘવીએ કહ્યું કે ‘સાહેબગીરી ન કરો, હું પોતે પણ નથી કરતો.’ તેમણે સિનિયર વિદ્યાર્થીઓને જુનિયર્સનું રેગિંગ ન કરવાની ચેતવણી પણ આપી.
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ ફરી એક નકલી રોયલ સ્ટેગ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. રાજસ્થાનના એક શખ્સે મટીરીયલ પાર્સલ કર્યું હતું, જ્યારે બીજાએ ભાવનગર આવીને નકલી દારૂ બનાવ્યો હતો. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
અમદાવાદની સાબરમતીમાંથી તરતા હાડપિંજર બાદ યુવકની લાશ મળી આવી છે. હાથમાં ફોન નંબર સાથે લખ્યું હતું કે ‘મેરે પાપા કો મેરી બોડી પહોંચા દેના..’ બંને રહસ્યમય ઘટનાઓને લઈને તપાસ શરૂ કરાઈ છે.
સુરતમાં ખાડીપૂરના બે મહિના બાદ પણ પરિવહન સેવા પાટે ચઢી નથી. મનપાની ધીમી ગતિને કારણે 50%થી વધુ બસો બંધ છે. છ મુખ્ય સહિત 12થી વધુ પ્રભાવિત રૂટ પર વિદ્યાર્થીઓ ટિંગાઈને જવા મજબૂર બન્યા છે.
સુરતમાં છઠ્ઠા ધોરણની વિદ્યાર્થિનીના આપઘાતમાં ખુલાસો થયો છે. માતાએ ફોન આપવાનો ઈનકાર કરી ફોન પોતાની સાથે લઈ જતા વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી હતી. કપડાં સૂકવવાની દોરીથી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો.
રાજકોટમાં વૃદ્ધ દંપતીને રાત્રે પોણા ત્રણ વાગ્યે ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું હતું. TRAI-EDના અધિકારીઓની ખોટી ઓળખ આપીને 25 લાખ રૂપિયા માગવામાં આવ્યા હતા. વૃદ્ધે મદદ માગતા પોલીસે તેમને બચાવ્યા હતા.
સુરતની પી.પી. સવાણી ગર્લ્સ હોસ્ટેલની 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. રાત્રે ભોજન લીધા બાદ તબિયત લથડતા તેમને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા પાસે એએમટીએસ અને બીઆરટીએ બસના ડ્રાઈવર્સ વચ્ચે બસ ઓવરટેક કરવા મામલે બોલાચાલી થઈ હતી. AMTS બસ ડ્રાઈવરે ઓવરટેક કરતા મામલો ગરમાયો હતો, જે બાદ ડ્રાઈવરે બીજી બસો રોકી મુસાફરોને નીચે ઉતારી દીધા હતા.