સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં 14 સપ્ટેમ્બરથી 7 દિવસ વરસાદની ચેતવણી: રાજકોટ-સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ

ગુજરાતમાં 14 સપ્ટેમ્બરથી 7 દિવસ વરસાદની ચેતવણી: રાજકોટ-સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ

ગુજરાતમાં ચોમાસાની વધુ એક સક્રિય સિસ્ટમ સર્જાતાં હવામાન વિભાગ (IMD)એ આગામી સાત દિવસ માટે વરસાદની સત્તાવાર આગાહી અને ચેતવણી જારી કરી છે. આગાહી મુજબ 14 સપ્ટેમ્બરથી શરૂ થતા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આથી વહીવટી તંત્રને સાબદું કરવામાં આવ્યું છે.

સોમવાર, 14 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આ બંને જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, આણંદ, ભરૂચ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં ‘ઓરેન્જ એલર્ટ’ જારી કરાયું છે, જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં ‘યલો એલર્ટ’ હેઠળ ભારે વરસાદ અને ગાજવીજની સંભાવના છે.

મંગળવાર, 15 સપ્ટેમ્બરે મેઘમહેર સૌરાષ્ટ્ર અને કચ્છ પંથક તરફ વધુ કેન્દ્રિત થશે. રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દેવભૂમિ દ્વારકા, બોટાદ અને કચ્છમાં ‘ઓરેન્જ એલર્ટ’ યથાવત્ રહીને ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. જ્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જે માટે ‘યલો એલર્ટ’ જારી કરાયું છે.

બુધવાર, 16 સપ્ટેમ્બરથી રવિવાર, 20 સપ્ટેમ્બર સુધીના સતત પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે. હવામાન વિભાગના રિપોર્ટ મુજબ આ દિવસોમાં રાજ્યના તમામ 33 જિલ્લાઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં એકસમાન ‘યલો એલર્ટ’ લાગુ રહેશે. આ સમયગાળામાં છૂટાછવાયા અને અમુક નિયત સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડતો રહેશે.

સમગ્ર સપ્તાહ દરમિયાન રાજ્ય પર વરસાદની અસર રહેશે. ખાસ કરીને શરૂઆતના દિવસોમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આથી નાગરિકોને ગાજવીજ વખતે સુરક્ષિત સ્થળે રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની સલાહ અપાઈ છે.