સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ, મહુવામાં સૌથી વધુ 4.13 ઈંચ

ગુજરાતમાં 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ, મહુવામાં સૌથી વધુ 4.13 ઈંચ

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 93 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના આંકડા મુજબ 20 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યાથી 21 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યા સુધીમાં આ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ થયો છે.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સૌથી વધુ 105 મિમી (4.13 ઈંચ) વરસાદ ખાબક્યો છે. રાજકોટના ગોંડલમાં 92 મિમી (3.62 ઈંચ) અને જૂનાગઢના માણાવદરમાં 71 મિમી (2.80 ઈંચ) વરસાદ નોંધાયો છે. જૂનાગઢ શહેરમાં 60 મિમી (2.36 ઈંચ) અને વંથલીમાં 52 મિમી (2.05 ઈંચ) વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્ર ઉપરાંત ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 50 મિમી (1.97 ઈંચ), દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 49 મિમી (1.93 ઈંચ), અમરેલીના કુંકાવાવ વાડિયામાં 44 મિમી (1.73 ઈંચ) અને રાજકોટના જસદણમાં 40 મિમી (1.57 ઈંચ) વરસાદ થયો છે. સુરત શહેરમાં 39 મિમી (1.54 ઈંચ) વરસાદ નોંધાયો છે.

આ વરસાદને કારણે લાંબા સમયથી ચાલી રહેલા ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે. ખેડૂતોમાં પણ આનંદની લહેર છે, કારણ કે ખેતીના પાકોને નવું જીવન મળ્યું છે. જોકે, કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ છે.

આજે સવારે 7 થી 10 વાગ્યા સુધીના ત્રણ કલાક માટે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં પણ યલો એલર્ટ છે.