ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 240 તાલુકામાં નાનો કે મોટો વરસાદ નોંધાયો છે. સવારના 6 વાગ્યાથી બીજા દિવસે સવારના 6 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે કેટલાક પંથકમાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ છે.
રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 4.45 ઇંચ (113 મીમી) નોંધાયો છે. ત્યાર બાદ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં 3.82 ઇંચ (97 મીમી) વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના નાનાપોંઢા (3.54 ઇંચ) અને ધરમપુર (3.43 ઇંચ)માં પણ ભારે વરસાદ થયો છે.
રાજ્યના 16થી વધુ તાલુકામાં 2થી 4 ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. તેમાં બોટાદ જિલ્લાના બરવાળા (3.39 ઇંચ), મહેસાણાના બેચરાજી (3.35 ઇંચ), નવસારીના વાંસદા (3.27 ઇંચ), વલસાડના વાપી (3.11 ઇંચ), સુરતના ઉમરપાડા (3.03 ઇંચ), સુરેન્દ્રનગરના ચૂડા (2.83 ઇંચ) અને નર્મદાના ગરુડેશ્વર (2.76 ઇંચ)નો સમાવેશ થાય છે.
મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડ્યો છે. ખેડા જિલ્લાના કપડવંજ અને ખેડા તાલુકામાં 2.56 ઇંચ (65 મીમી) વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં 2.13 ઇંચ (54 મીમી) અને અમદાવાદ શહેરમાં 1.69 ઇંચ (43 મીમી) વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લામાં પણ ઝાપટાં પડ્યાં હોવાની માહિતી છે.