ગુજરાતમાં શનિવારે 224 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અંબાજીમાં સૌથી વધુ વરસાદ પડ્યો. અમદાવાદ અને વડોદરા સહિત 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ સરેરાશ 8 ટકા વરસાદની ઘટ છે.
અમદાવાદમાં સવારથી જ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે સાંજે 6 વાગ્યા સુધી રેડ એલર્ટ આપ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.
વરસાદના કારણે વિમાની સેવાઓ પર અસર પડી છે. કોલકાતાથી આવતી ઈન્ડિગોની ફ્લાઈટ ઈન્દોર ડાયવર્ટ કરવામાં આવી. કુલ 4 ફ્લાઈટ મોડી પડી.
વડોદરામાં ધાર્મિક સ્થળોએ સફાઈ અભિયાન શરૂ થયું છે. કામનાથ મહાદેવ મંદિર ખાતે મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો.
શિક્ષકો પર ઓનલાઈન કામગીરીનો બોજ વધ્યો છે. શૈક્ષિક મહાસંઘનો દાવો છે કે શિક્ષણના કલાકો ઉપરાંત ઓનલાઈન કામગીરીમાં 210 કાર્ય દિવસ જેટલો સમય વપરાય છે.
રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને ‘યોજના દૂત’ બનાવવાની યોજના શરૂ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે G3Q-2026 અને ઇનોવેશન ચેલેન્જનો શુભારંભ કર્યો. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓ સરકારી યોજનાઓની માહિતી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડશે.
સુરતમાં પત્નીએ પ્રેમી સાથે આત્મહત્યા કરી લેતા પતિએ પણ ગળેફાંસો ખાધો. પત્નીના વિરહ અને બેવફાઈ સહન ન થતા પતિએ આ પગલું ભર્યું. આ ઘટનાથી બે સંતાનો અનાથ થઈ ગયા.
અમરેલી હત્યાકાંડમાં પત્નીએ પતિના મિત્ર પર આક્ષપ લગાવ્યો છે. દીકરીની હત્યા કરી મૃતદેહ શણગારી ફ્રિજમાં મુક્યા બાદ પિતાએ આપઘાત કર્યો હતો. પત્નીનો આરોપ છે કે મહુવાના મિત્રએ સાત લાખ રૂપિયા રોકાણ કરાવી પૈસા પરત ન કરતા પતિ આઘાતમાં આવી ગયો હતો.
વલસાડના ઉમરગામમાં સ્વિફ્ટ કાર ઝાડ સાથે અથડાતા ત્રણ મિત્રોના મોત થયા અને બે ગંભીર રીતે ઘાયલ થયા. પાંચ મિત્રો હોટલમાં જમીને પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો. ગાડીના પતરાં કાપી મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા.
સુરતના ઉધનાના રિલાયન્સ મોલમાં લિફ્ટ ખોટકાઈ. મિર્ઝાપુર મૂવી જોઈને નીકળેલા 13 યુવાનો બેઝમેન્ટમાં ફસાયા. સફોકેશનને કારણે હાલત ખરાબ થઈ. ફાયર ટીમે તેમને બહાર કાઢ્યા.
ભાડજમાં ધ વિન્ટેજ બ્રુ કાફેમાં ચાલતું હુક્કાબાર ઝડપાયું. ખુલ્લા મેદાનમાં ટેબલો પર હુક્કા પીરસવામાં આવતા હતા. એક કલાક હુક્કો પીવાના 800 રૂપિયા વસૂલવામાં આવતા હતા.