બંગાળની ખાડીમાં સર્જાયેલી હવામાન સિસ્ટમના કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે. જોકે, શુક્રવારે બપોર બાદ વરસાદનું જોર ઘટ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર સિસ્ટમમાં ફેરવાતાં, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી છૂટાછવાયા મધ્યમ વરસાદ ચાલુ રહેશે.
હવામાન વિભાગે મહિસાગર, દાહોદ અને પંચમહાલમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જાહેર કરી છે અને આ જિલ્લાઓમાં યેલો એલર્ટ આપ્યું છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ગીર ગઢડા અને મેઘરજમાં 3.07 ઇંચ પડ્યો છે. 83 તાલુકામાં એકથી પોણા બે ઇંચ સુધીનો વરસાદ થયો છે. આ સિઝનમાં અત્યાર સુધી સરેરાશ 87 ટકા વરસાદ થયો છે, જે સરેરાશ કરતાં 8 ટકા ઓછો છે.
છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક વધી છે અને સરેરાશ જળસ્તર 70 ટકા સુધી પહોંચ્યું છે. રાજ્યના 28 ડેમ 100 ટકા ભરાઈ જતાં હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ભાવનગરના પાંચ, અમરેલીના ચાર તેમજ રાજકોટ, બોટાદ, દાહોદ અને નવસારીના બે-બે જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ પાણીની સપાટી નોંધપાત્ર રીતે વધી છે. ડેમ 95.65 ટકા ભરાયો છે અને છેલ્લા એક સપ્તાહમાં જ જળસપાટીમાં 2.42 ટકાનો વધારો થયો છે. મધ્યપ્રદેશ અને નર્મદા ડેમના ઉપરવાસમાં સારો વરસાદ થવાથી ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે, જેથી રાજ્યના જળસંગ્રહની સ્થિતિમાં સુધારો થયો છે.