ગુજરાતમાં છ દિવસ પછી ફરી ભારે વરસાદ પડ્યો છે. 18 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના છ કલાકમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ અને અમદાવાદ શહેરમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે.
રાજ્યના 21 જિલ્લામાં બપોરે 4 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે મેઘરજમાં ઘરો અને રસ્તાઓ પર પાણી ભરાયા હતા, જ્યારે બહુચરાજીમાં ગરનાળામાં ઈકો ફસાઈ જવાની ઘટના બની હતી. રાહદારીઓને પાણીમાંથી બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડી હતી.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ખરાબ હવામાનના કારણે મુંબઈથી આવતી બે ફ્લાઇટ વડોદરા ડાયવર્ટ કરવામાં આવી છે. આ ફ્લાઇટમાં બેસેલા 200થી વધુ મુસાફરોને કલાકો સુધી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. હિરાસર પાસે વરસાદને કારણે એરક્રાફ્ટનું ઉતરાણ મુશ્કેલ બન્યું છે. હાલમાં બે ફ્લાઇટ ડાયવર્ટ થઈ છે, પરંતુ વધુ ફ્લાઇટ ડાયવર્ટ થવાની શક્યતા છે.
રાજ્યના 43 ડેમ હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં 95.55 ટકા જળસંગ્રહ છે. ડેમમાં 38,847 ક્યુસેક પાણીની આવક સામે 41,746 ક્યુસેક જાવક ચાલુ છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,88,095 એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે, જે કુલ ક્ષમતાના 69.56 ટકા છે. 206 ડેમમાંથી 27 ડેમ 100 ટકા ભરાયેલા છે, 37 ડેમ 70થી 100 ટકા વચ્ચે, 27 ડેમ 50થી 70 ટકા વચ્ચે, 41 ડેમ 25થી 50 ટકા વચ્ચે અને 74 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. સુરક્ષા અને પાણીના સ્તર મુજબ 43 ડેમ હાઈ એલર્ટ પર, 11 ડેમ એલર્ટ પર અને 10 ડેમ વોર્નિંગ પર મુકવામાં આવ્યા છે.
ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. વહેલી સવારે શાળા અને નોકરીએ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બોડેલી અને પાવીજેતપુરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જ્યારે ભક્તો વરસાદ વચ્ચે પણ પગપાળા અંબાજી જતા જોવા મળ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.