સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદ: 138 તાલુકામાં મેઘમહેર, 15 સપ્ટેમ્બર સુધી 20 જિલ્લામાં ઍલર્ટ

ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદ: 138 તાલુકામાં મેઘમહેર, 15 સપ્ટેમ્બર સુધી 20 જિલ્લામાં ઍલર્ટ

ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. 12 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 138 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં અમદાવાદ શહેર સહિત અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, 15 સપ્ટેમ્બર સુધી રાજ્યના 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં અમદાવાદ, પંચમહાલ, છોટા ઉદેપુર, અમરેલી સહિતના જિલ્લાનો સમાવેશ થાય છે.

સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 4.88 ઇંચ વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરમાં પાલડી, વિશાલા, વાસણા, બલોલ નગર, રાણીપ, નવાવાડજ, અખબાર નગર, મકરબા, સરખેજ અને એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે.

છોટા ઉદેપુર જિલ્લામાં દોઢ માસના લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો છે. છોટા ઉદેપુર, પાનવડ સહિત બોડેલી પંથકમાં ધીમીધારે વરસાદ થયો છે. અંતરિયાળ વિસ્તારોના મોટાભાગના ખેડૂતો ચોમાસુ પાક પર નિર્ભર છે, ત્યારે વરસાદ થતાં તેમના ચહેરા પર આનંદ છવાયો છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે. છેલ્લા એક મહિનાથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.

પંચમહાલ જિલ્લામાં પણ એક મહિનાના લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે. ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે. ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતા ચિંતાતુર બનેલા ખેડૂતોને રાહતના શ્વાસ પડ્યા છે.

અમરેલી જિલ્લામાં સતત વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. જાફરાબાદના ટીંબી, છેલાણા સહિતના ગામોમાં હળવો વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ઉલ્લેખનીય છે કે, 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. લો-પ્રેશર, મોનસૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર સહિત 20 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.