રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનના 10 જિલ્લાના શાળા સંચાલકોના મહાસંમેલનમાં રાજ્યની 17 હજાર ખાનગી શાળાઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો નિકાલ ન થતાં રાજ્ય સરકાર સામે લોકશાહી પ્રણાલી મુજબ લડતના મંડાણ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.
શાળા સંચાલકોએ જણાવ્યું કે દિવાળી બાદ ખાનગી શાળાઓના પ્રશ્નો ઉકેલવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવશે. જો તેમ છતાં નક્કર ઉકેલ ન આવે તો 9 અને 10 ડિસેમ્બરે રાજ્યવ્યાપી ખાનગી શાળાઓ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે.
સમગ્ર રાજ્યની સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નો અંગે અગાઉ અનેકવખત સરકારમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં રાજ્યની ચારેય ફી નિર્ધારણ સમિતિઓની નિર્ણય પ્રક્રિયામાંથી વિસંગતતાઓ દૂર કરવામાં આવી નથી. ફી નિર્ધારણની દરખાસ્તોના નિકાલમાં વિલંબ થાય છે. બિનજરૂરી સરકારી નિયંત્રણો, શાળાઓની સ્વાયતતા અને વધુ પડતાં સરકારી હસ્તક્ષેપને દૂર કરવા સહિતના પ્રશ્નો અંગે ઉકેલ આવ્યો નથી.
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ જે વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે, તેની સરકાર માત્ર ટોકન ફી ચુકવે છે, જ્યારે વાસ્તવિક ખર્ચ ઘણો મોટો હોય છે. શાળાની મંજૂરી, વર્ગવધારો જેવી બાબતોમાં પણ મોડું થાય છે.
આ સ્થિતિમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ જતીનભાઈ ભરાડેએ જણાવ્યું હતું કે ખાનગી શાળાઓ દરેક પ્રશ્નોને સહકારથી ઉકેલવા ઇચ્છે છે, તેથી દિવાળી બાદ ગાંધીનગર ખાતે સરકારમાં રજૂઆત કરાશે. તેમ છતાં નક્કર ઉકેલ નહીં આવે તો 9 અને 10 ડિસેમ્બરે રાજ્યવ્યાપી બે દિવસ શાળા બંધ રાખી લડતને આગળ વધારવાની રણનીતિ જાહેર કરવામાં આવશે.