સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત સરકારનો નિર્ણય: ખાનગી સંસ્થાઓ હવે પૂર્વ મંજૂરી વિના 'નેશનલ', 'ભારતીય' જેવા શબ્દો વાપરી શકશે નહીં

ગુજરાત સરકારનો નિર્ણય: ખાનગી સંસ્થાઓ હવે પૂર્વ મંજૂરી વિના 'નેશનલ', 'ભારતીય' જેવા શબ્દો વાપરી શકશે નહીં

ગાંધીનગર: ગુજરાત સરકારે ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો, કંપનીઓ અને વેપારી પેઢીઓના નામમાં 'ઓલ ઈન્ડિયા', 'નેશનલ', 'ભારતીય', 'મંત્રાલય', 'બ્યુરો', 'કમિશન' કે 'સેન્ટર' જેવા શબ્દોના ઉપયોગ પર નિયંત્રણ મૂક્યું છે. હવે આવા શબ્દો પૂર્વ મંજૂરી વગર વાપરી શકાશે નહીં. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે આ અંગે તમામ વિભાગોને અમલવારી કરવા તાકીદ કરી છે.

વિભાગની તાકીદ મુજબ, સરકારની મંજૂરી બાદ પણ કોઈ ખાનગી સંસ્થા આવા શબ્દોનો ઉપયોગ કરે છે, તો તેણે પોતાના નામ સાથે સ્પષ્ટ લખવું પડશે કે 'આ એક ખાનગી સાહસ છે અને તેને સરકાર સાથે કોઈ લેવાદેવા કે સરકારી ઉદ્દેશ નથી.'

હાલમાં અનેક સંસ્થાઓ, ટ્રસ્ટો અને પેઢીઓ પોતાના નામ સાથે આવા શબ્દો એવી રીતે જોડે છે જાણે તે સીધા સરકારી વિભાગો હોય. ઘણા કિસ્સામાં તેમના લેટરહેડ, વિઝિટિંગ કાર્ડ, ઓફિસના બોર્ડ અને વેબસાઈટ પર અશોક સ્તંભ, અશોક ચક્ર કે સરકારી સિક્કાઓની આબેહૂબ નકલ છાપવામાં આવે છે. આના કારણે સામાન્ય નાગરિકો છેતરાય છે અને ખાનગી કામોને સરકારી સમજીને પોતાના નાણાં કે દસ્તાવેજો ગુમાવે છે. આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કરેલા પરિપત્ર મુજબ આ સૂચનાઓ આપવામાં આવી છે.

સામાન્ય વહીવટ વિભાગે કંપનીઓ અને ટ્રેડમાર્ક સહિતની બાબતોની નોંધણી કરતી કચેરીઓને સ્ક્રીનિંગ વખતે જ આવા નામ અને પ્રતીકોવાળી ફાઈલો નામંજૂર કરી દેવા તાકીદ કરી છે. રજિસ્ટ્રાર ઓફ સોસાયટીઝ, રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સ અને સહકારી વિભાગને નોંધણી તબક્કે જ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે.

આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને છેતરાતા અટકાવવાનો છે, જેથી કોઈ પણ ખાનગી સંસ્થા સરકારી હોવાનો ભ્રમ ઊભો ન કરી શકે.