સત્ય. સાહસ. સંકલ્પ.

પ્રી-પીટીસી પ્રવેશમાં મોટી રાહત: વયમર્યાદા 30 વર્ષ, બેઠકો 62 અને EWS-દિવ્યાંગો માટે અનામત

પ્રી-પીટીસી પ્રવેશમાં મોટી રાહત: વયમર્યાદા 30 વર્ષ, બેઠકો 62 અને EWS-દિવ્યાંગો માટે અનામત

ગુજરાત સરકારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ (બાલ અધ્યાપન મંદિર)ની પ્રી-પીટીસી (D.E.C.Ed.) કૉલેજોમાં પ્રવેશના નિયમોમાં મહત્ત્વના સુધારા કર્યા છે. તાજેતરમાં જાહેર થયેલા આ સુધારા હેઠળ પ્રવેશ માટેની મહત્તમ વયમર્યાદા 24 વર્ષથી વધારીને 30 વર્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ગદીઠ બેઠકોની સંખ્યા 50થી વધારીને 62 કરવામાં આવી છે અને EWS તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે પ્રથમ વખત અનામતની જોગવાઈ કરવામાં આવી છે.

અગાઉ વર્ગદીઠ 50 બેઠકોની મંજૂર ક્ષમતા હતી, જે હવે 25 ટકા વધારા સાથે 62 કરવામાં આવી છે. આથી શિક્ષક બનવા ઇચ્છતા વધુ ઉમેદવારોને તાલીમ મેળવવાની તક મળશે. સુધારેલા પ્રવેશ માળખા અનુસાર SEBC માટે 27 ટકા હેઠળ 17 બેઠકો, અનુસૂચિત જાતિ માટે 7 ટકા હેઠળ 4 બેઠકો અને અનુસૂચિત જનજાતિ માટે 15 ટકા હેઠળ 9 બેઠકો નક્કી કરાઈ છે. ઓપન કેટેગરીમાં 41 ટકા મુજબ 26 બેઠકો રહેશે, જ્યારે આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે પ્રથમ વખત 10 ટકા મુજબ 6 બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે. આમ કુલ 100 ટકા મુજબ 62 બેઠકો ઉપલબ્ધ રહેશે.

પ્રવેશ માટે ધોરણ-12ની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા 50 ટકા ગુણ મેળવેલા હોવા જરૂરી રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ઉપરાંત CBSE, ICSE સહિત રાજ્ય તથા અન્ય રાજ્યોના માન્ય બોર્ડમાંથી ધોરણ-12 પાસ કરનારા ઉમેદવારોને પણ આ જ પાત્રતા લાગુ પડશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ તથા દિવ્યાંગ ઉમેદવારોને ગુણની પાત્રતામાં 5 ટકાની છૂટ આપવામાં આવશે.

ઉંમરના નિયમોમાં પણ નોંધપાત્ર રાહત આપવામાં આવી છે. અગાઉ મહત્તમ વયમર્યાદા 24 વર્ષ હતી, જે હવે 30 વર્ષ કરાઈ છે. એટલે કે શૈક્ષણિક વર્ષના પ્રારંભે, જુલાઈ મહિનાની પ્રથમ તારીખે ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ સાથે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, SEBC, EWS તથા દિવ્યાંગ ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં વધુ 5 વર્ષની છૂટ આપવામાં આવશે.

માધ્યમની પસંદગીમાં પણ લવચીકતા રાખવામાં આવી છે. ઉમેદવાર ધોરણ-10 અથવા ધોરણ-12માં જે માધ્યમમાં અભ્યાસ કર્યો હોય તે પૈકી કોઈપણ માધ્યમની સંસ્થામાં પ્રવેશ માટે અરજી કરી શકશે. જો કોઈ માધ્યમની બેઠકો ખાલી રહે અને ઉમેદવારે ધોરણ-10 અને ધોરણ-12માં પોતાની મૂળ માધ્યમ સિવાયની ભાષાનો અભ્યાસ કર્યો હોય, તો ઉમેદવારની ઇચ્છા મુજબ અન્ય ભાષાના માધ્યમમાં પણ પ્રવેશ મેળવી શકાશે.